મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

નાસાને મંગળ ગ્રહ પર પાણીનો વિશાળ સ્ત્રોત મળ્યો :ભવિષ્યમાં વસવાટની શકયતા વધી

બરફની નીચે રહેલ તળાવ ૨૦ કીમી લાંબુ : પાણી પીવા લાયક છે કે નહીં તેની તપાસ કરાશે

નવી દિલ્હી,તા. ૨૯: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સાયન્ટિસ્ટે મંગળ ગ્રહ પર પાણીનો સ્ત્રોત શોધી લીધો છે. વૈજ્ઞાનિકો મંગળની જમીનની અંદર એટલે કે નીચે ૩ તળાવ શોધી શકયા છે. ૨ વર્ષ પહેલાં પણ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રૂવ પર એક મોટા ખારા પાણીનું તળાવ હોવાનું જાણવા મળ્યું હતું. આ તળાવ બરફની નીચે દબાયેલું હતું. એટલે કે ભવિષ્યમાં મંગળ પર જઈને રહી શકાય છે, શરત એટલી કે જો તે પાણીનો ઉપયોગ કરી શકાય તેમ હોય તો.

યૂરોપીયન સ્પેસ એજન્સીના સ્પેસક્રાફ્ટ માર્સ એકસપ્રેસે ૨૦૧૮માં જે જગ્યા પર બરફની નીચે ખારા પાણીનું તળાવ શોધ્યું હતું તેની ખાતરી કરવા ૨૦૧૨-૨૦૧૫ સુધી માર્સ એકસપ્રેસ સેટેલાઈટ ૨૯ વાર ત્યાંથી પસાર થયું, ફોટા લીધા. આ તળાવની આસપાસ તેને ફરીથી ૩ તળાવ દેખાયા. આ ૩ તળાવને માટે સ્પેસક્રાફ્ટને ૨૦૧૨થી ૨૦૧૯ વચ્ચે ૧૩૪ વાર ઓબ્ઝર્વેશન કરવું પડ્યું હતું.

મંગળ ગ્રહ પર ૨૦૧૮માં શોધાયેલું તળાવ બરફની નીચે છે અને સાથે તે ૨૦ કિમી લાંબુ છે. આ મંગળ ગ્રહ પર મળનારો સૌથી મોટો જળસ્ત્રોત છે. રોમ યુનિવર્સિટીના એસ્ટ્રોસાયન્ટિસ્ટે કહ્યું કે અમે ૨ વર્ષ પહેલાં આ તળાવની શોધ કરી હતી. મંગળ ગ્રહ પર પાણીનો સ્ત્રોત દુર્લભ છે. તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલાંના શોધમાં મંગળના ધરાતલ પર તરલ પદાર્થના સંભવિત ચિન્હો મળતાં આ શોધ કરાઈ હતી.

હવે પહેલાંની જેમ મંગળને એક દુકાળગ્રસ્ત ગણવામાં આવતો નથી. કેટલીક પરિસ્થિતિમાં પાણી તરલ અવસ્થામાં મંગળ પર મળી રહ્યું છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી માનતા હતા કે કયારેક આખા લાલ ગ્રહ પર પાણી ભરપૂર પ્રમાણમાં વહેતું હતું. ૩ અરબ વર્ષ પહેલાં જળવાયુમાં આવેલા મોટા ફેરફારના કારણે મંગળનું રુપ બદલાયું હતું.

૨૦૧૨માં પણ અંતરિક્ષ એજન્સી નાસાને મંગળ પર રોબોટિક કયૂરિયોસીટીના પહાડમાં ૩ અરબ વર્ષ જૂના કાર્બનિક અણુ મળ્યા હતા. તે એ વાતનો સંકેત આપે છે કે તે સમયે પણ મંગળ પર જીવન રહ્યું હશે.

(3:25 pm IST)