મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે ૩ ઉગ્રવાદી ઝડપાયા

28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, ૨૮ મેગેઝિન અને ૭૮૦૦ કારતૂસ જપ્ત કર્યા

નવી દિલ્હી, તા.૨૯: બોર્ડર સિકયુરિટી ફોર્સને નોર્થ ઈસ્ટમાં એક મોટી સફળતા હાથ લાગી છે. BSFના જવાનોએ ગુપ્ત સૂચનાના આધારે ગત રાત્રે મિઝોરમમાં ત્રણ ઉગ્રવાસીઓને ઝડપી પાડ્યા છે. આ ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, ૨૮ મેગેઝિન અને લગભગ ૭૮૦૦ કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓએ હથિયારોના આ મોટા જથ્થાને એક જીપની સીટની નીચે ગુપ્ત બોકસમાં છુપાવીને રાખ્યા હતા.

આ નોર્થ ઈસ્ટમાં હાલના વર્ષોમાં પકડવામાં આવેલા હથિયારોની સૌથી મોટી ખેપ છે. BSFના ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને એવી સૂચના મળી હતી કે મ્યાનમારથી હથિયારોનો એક મોટો જથ્થો ભારતમાં આવ્યો છે, જેનો ઉપયોગ મિઝોરમ સહિત નોર્થ ઈસ્ટના વિસ્તારોમાં હિંસક પ્રવૃત્તિઓ માટે થવાનો છે. આ સૂચનાના આધારે BSFએ કાર્યવાહી કરી. ઉગ્રવાદીઓની ઓળખ કરી તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી અને પછી છાપો મારવામાં આવ્યો.

BSFના દરોડાની કાર્યવાહી મિઝોરમના મામિત જિલ્લાના ફુલડેન વિસ્તારમાં થઈ. ઉગ્રવાદીઓને પકડવાની સાથે જ જયારે જીપની ઝીણવટભરી તપાસ કરવામાં આવી તો વચ્ચેની સીટની નીચે ગુપ્ત ખાના જેવું બોકસ જોવા મળ્યું, જેમાં હથિયારોનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યા હતા. જયારે હથિયારોને બહાર કાઢવામાં આવ્યા તો જાણવા મળ્યું કે બોકસની અંદર એક-બે નહીં પરંતુ ૨૯ રાઇફલોમાં જેમાં 28 AK-47 રાઇફલો અને એક AK-74 રાઇફલ સીરીઝની છે. સામાન્ય રીતે AK-47 સીરીઝના હથિયારોનો ઉપયોગ દુનિયાભરમાં આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓમાં કરવામાં આવતો હોય છે. જે શૂટિંગ ગન જપ્ત કરવામાં આવી છે તે પણ અમેરિકન બનાવટની છે અને તે દેશમાં પ્રતિબંધિત છે.હથિયારોની આ મોટી ખેપની સાથે જ ઉગ્રવાદીઓની પાસેથી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ગત રાત્રે BSFએ આ મોટી કાર્યવાહી કરી. એઝવાલ સેકટરની અંદર આવનારા ફુલડેન વિસ્તારમાં BSFના ૯૦મા બટાલિયન તૈનાત છે. ઉગ્રવાદીઓને પકડ્યા બાદ તેમને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલામાં વધુ તપાસ ચાલુ છે. પકડાયેલા ત્રણેય ઉગ્રવાદી નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT) નામના ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયેલા છે.

(3:21 pm IST)