મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

૩ નવેમ્બરે પેટાચૂંટણી : ૧૦મીએ પરિણામ

ગુજરાતની અબડાસા - લીંબડી - મોરબી - ધારી - ગઢડા - કરજણ - ડાંગ - કપરાડા સહિત દેશની ૫૬ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર : ૯ ઓકટોબરથી ઉમેદવારી પત્રો ભરી શકાશે : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો : ભાજપ - કોંગ્રેસ સાબદા

નવી દિલ્હી તા. ૨૯ : ચૂંટણી પંચે આજે છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની વિધાનસભા અને ૧ લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો ઉપર ૩ નવેમ્બરે ચૂંટણી થશે જ્યારે ૧૦ નવેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે આસામ, કેરળ, તામિલનાડુ અને પ.બંગાળની ૭ બેઠકો માટે પેટા ચૂંટણી ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની ખાલી પડેલી લીંબડી, મોરબી, ગઢડા, અબડાસા સહિત ૮ બેઠકો ઉપર આજ તારીખે ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભાજપ તથા કોંગ્રેસ સાબદા બન્યા છે.

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે ઘણા લાંબા સમયથી રાહત જોવાતી હતી. આખરે આજે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે. ગુજરાતમાં અબડાસા, મોરબી, લીંબડી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આજે ચૂંટણી પંચે ૫૬ બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેનું મતદાન ૩ નવેમ્બરે યોજાશે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ૯ ઓકટોબરથી ઉમેદવારીપત્રો ભરી શકાશે અને ૧૬ ઓકટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ૧૯ ઓકટોબર ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે.

અત્રે એ નોંધનિય છે કે કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી ગાવીત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડાથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રીજેશ મેરજા વગેરેએ રાજીનામુ આપતા આ બેઠકો ખાલી પડી હતી.

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસે પોતા પોતાના ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચારની કામગીરીની વ્યૂહરચના ઘડવાનું કામ શરૂ કરી દીધું છે.

(3:06 pm IST)