મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

શહેરમાં ૬ મહિનામાં ૬ હજારને કોરોનાનો ચેપ લાગ્યોઃ બપોર સુધીમાં ૪૩ કેસ

કુલ કેસ ૬૦૨૭ થયાઃ ગઇકાલે ૧૧૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા કુલ ડિસ્ચાર્જ ૪૮૩૫ લોકો થતા રિકવરી રેટ ૮૦.૭૯ ટકા થયો

રાજકોટ,તા.૨૯:  સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમાં રાજકોટ બાકાત નથી. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૪૩ રિપોર્ટ પોઝિટિવ આવતા  કુલ કેસનો આંક ૬૦૨૭એ પહોંચયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૦૨૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૮૩૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૦.૭૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૯૬૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૮૨ ટકા થયો  હતો. જયારે ૧૧૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૧૧,૮૬૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૦૨૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૨  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલે શ્રીનાથ પાર્ક- કાલાવડ રોડ, શિવધારા એપાર્ટમેન્ટ - ટાગોર રોડ, કેવડાવાડી, રેફયુજી કોલોની- જંકશન પ્લોટ, એસ્ટ્રોન સોસાયટી, ન્યુ સુભાષનગર - કોઠારિયા રોડ, ચંદ્રેશનગર - મવડી પ્લોટ, આલાપ ગ્રીન સીટી -  રૈયા રોડ, ચંપકનગર - પેડક રોડ, ભવનાથ પાર્ક - હુડકો  સહિતના વિસ્તારોમા ૯૫માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૪૫ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૨૫ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૫,૨૧૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૨૫  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે બેડીનાકા ટાવર, રૈયાનાકા  ટાવર, કાશીવિશ્વનાથ પ્લોટ, શ્રોફ રોડ, રેસકોર્ષ પાર્ક, બાબરીયા, સહકાર સોસાયટી સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૬૫૯ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:06 pm IST)