મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

મહારાષ્‍ટ્રમાં ફરીથી બનશે શિવસેના - ભાજપા સરકાર ???

જુની મિત્રતા છે : ૫૦-૫૦ ટકા ભાગીદારીમાં સરકાર બનાવે બંને પક્ષો : કેન્‍દ્રીય પ્રધાન રામદાસ આઠવલે

નવી દિલ્‍હી તા. ૨૯ : શિવસેના નેતા સંજય રાઉત અને મહારાષ્‍ટ્રના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન તથા ભાજપા નેતા દેવેન્‍દ્ર ફડણવીસની હાલની મુલાકાત પછી મહારાષ્‍ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બંને નેતાઓની આ મુલાકાતને એટલા માટે પણ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. કેમકે તેના આગલા દિવસે જ એનસીપી પ્રમુખ અને રાજ્‍યના મુખ્‍ય પ્રધાનની મુલાકાત થઇ હતી. શિવસેના પ્રમુખ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ સાથે રાજ્‍યમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે.

તો બીજી તરફ આરપીઆઇના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય રાજ્‍ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપીને મહારાષ્‍ટ્રના રાજકારણમાં હલચલ ઉત્‍પન્‍ન કરી દીધી છે. તેમણે હિન્‍દી ન્‍યુઝ ચેનલ એબીપીને કહ્યું કે મહારાષ્‍ટ્રમાં શિવસેનાએ ભાજપા સાથે ૫૦-૫૦ની ફોર્મ્‍યુલા પર સરકાર બનાવવી જોઇએ. તેમણે કહ્યું કે શિવસેના મહારાષ્‍ટ્રનો મહત્‍વપૂર્ણ પણ હતો પણ તેણે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. લાંબા સમય માટે ત્રણ પક્ષોની સરકાર ચલાવવી મુશ્‍કેલ છે.

આઠવલે અનુસાર, શિવસેના અને ભાજપા વચ્‍ચે છેલ્લા ૨૫-૩૦ વર્ષોથી મિમતા રહી છે, બંને પક્ષોમાં બહુ મતભેદ પણ નથી. તેમણે વધુમાં કહ્યું કે, ફડણવીસ વિપક્ષના નેતા છે અને ભાજપાના પણ નેતા છે. તેમણે શિવસેનાના નેતા સંજય રાઉત સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્‍ચે શું વાત થઇ છે તે મને નથી ખબર પણ હું અવાર-નવાર કહું છું કે શિવસેનાએ ફરીથી ભાજપા સાથે હાથ મિલાવવો જોઇએ. બાળા સાહેબ ઠાકરેનું શિવશકિતનું સ્‍વપ્‍ન પુરૂં કરવું હોય તો તેણે એનસીપીનો સાથ છોડી દેવો જોઇએ. આવું થશે તો ભાજપા, શિવસેના અને આરપીઆઇ ત્રણે સાથે મળીને સરકાર બનાવશે.

(11:47 am IST)