મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

૬૫ કિલોવાળો પુરૂષ - ૫૫ કિલોવાળી મહિલા સંપૂર્ણપણે ફિટ ગણાશે

દેશમાં બદલવામાં આવ્યો મહિલાઓ અને પુરૂષો માટેનો બીએમઆઇ : બંનેમાં પાંચ-પાંચ કિલો ગ્રામ વજન વધારવામાં આવ્યું : હાઇટનું માપદંડ પણ બદલાયું : નેશનલ ઇન્સ્ટીયૂટ ઓફ ન્યુટ્રીશ્યને જારી કર્યા નવા માપદંડ : પુરૂષો - મહિલાઓની ઉંચાઇ પણ વધારવામાં આવી : પુરૂષોની ઉંચાઇ વધારીને ૫.૮ ઇંચ જ્યારે મહિલાઓની હાઇટ વધારીને ૫.૩ ઇંચ કરવામાં આવી

નવી દિલ્હી તા. ૨૯ : દરેક દાયકાની અંદર વિશ્વભરમાં દરેક ચીજવસ્તુ બદલતી જતી હોય છે. જેમાં ખાવા-પીવાથી માંડીને પહેરવા - ઓઢવા સુધીના ફેરફારનો સમાવેશ થતો હોય છે. ભારત પણ તેમાથી બાકાત રહ્યું નથી. ભારતમાં પણ તમામ ચીજો બદલી છે અને હવે એક નવો ફેરફાર ભારતીય મહિલાઓ અને પુરૂષોના વજન અને ઉંચાઇને લઇને સામે આવ્યો છે. વજનનું માપદંડ ૫ કિલો વધ્યું છે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ન્યુટ્રીશ્યન દ્વારા વજનના માપદંડમાં વધુ પાંચ કિલો ઉમેરવામાં આવેલ છે. ૬૫ કિલો વજન ધરાવતા પુરૂષો અને ૫૫ કિલો વજન ધરાવતી મહિલાઓ સંપૂર્ણપણે ફિટ ગણાશે એટલે કે દેશના લોકોનો બોડી માસ્ક ઇન્ડેકસ એટલે કે બીએમઆઇ હવે બદલી ગયો છે.

૨૦૧૦માં ભારતીય પુરૂષો સરેરાશ વજન જ્યાં ૬૦ કિલો ગ્રામ હતી તે ૨૦૨૦માં તે વધારીને ૬૫ કિલો કરી દેવામાં આવ્યો છે. જ્યારે એક દાયકા પહેલા મહિલાઓનું સરેરાશ વજન ૫૦ કિલો હતું તે હવે વધારીને ૫૫ કિલો કરી દેવામાં આવ્યું છે. એટલે કે આદર્શ સ્થિતિમાં ભારતીય પુરૂષ - મહિલાઓનું વજન પાંચ-પાંચ કિલો વધી ગયું છે.

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ન્યુટ્રીશ્યને માત્ર ભારત મહિલાઓ અને પુરૂષોના વજનમાં વધારો નથી કર્યો પરંતુ ઉંચાઇ પણ વધારી દીધી છે. એક દાયકા પહેલા ભારતીય પુરૂષોની ઉંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ હતી તો મહિલાઓની ઉંચા ૫ ફૂટ હતી પરંતુ ૨૦૨૦માં મહિલાઓ અને પુરૂષોની હાઇટ પણ વધારવામાં આવી છે. નવા રેફરન્સ હેઠળ ભારતીય પુરૂષોની ઉંચાઇ વધારીને ૫ ફૂટ ૮ ઇંચ કરવામાં આવી છે જ્યારે મહિલાઓની ઉંચાઇ વધારીને ૫ ફૂટ ૩ ઇંચ કરવામાં આવી છે. એક દાયકા પહેલાનો બોડી માસ્ક ઇન્ડેકસ બદાઇ ચૂકયો છે. બીએમઆઇ એક લોકપ્રિય ટર્મ છે જે થકી જાણી શકાય છે કે કોઇ શખ્સના શરીરના હિસાબથી તેનું વજન અને ઉંચાઇ કેટલું હોવું જોઇએ. જો બીએમઆઇ નિર્ધારીત સ્થિતિથી વધુ હોય તો તે શરીર માટે યોગ્ય નથી હોતું.

સંસ્થાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ભારતીય લોકોના બીએમઆઇમાં ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે કે, દેશના લોકોમાં પોષક ખાદ્ય પદાર્થોના સેવનમાં વધારો થયો છે. આ વર્ષના ડેટામાં ગ્રામીણ વિસ્તારોને પણ સામિલ કરવામાં આવ્યા છે. ૧૦ વર્ષ પહેલાના અભ્યાસમાં ફકત શહેરી વિસ્તારોને સામિલ કરવામાં આવ્યા હતા.

સંસ્થાએ જારી કરેલા રિપોર્ટમાં ભારતીયના પોષણ આહાર અને અનુમાનિત સરેરાશ જરૂરીયાતની ભલામણોને પણ બદલાવી છે. દેશની મહિલા અને પુરૂષોના રેફરન્સ એજને પણ બદલાવામાં આવેલ છે અને તેને ૨૦૧૦માં ૨૦-૩૯ની જગ્યાએ હવે ૧૯-૩૯ કરી દેવામાં આવી છે.

(10:15 am IST)