મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

અમેરિકા કરતા ભારતમાં વધુ ટેક્સ ભર્યાનો ટ્રમ્પ પર આક્ષેપ

ડોનાલ્ડ ટ્રમ્પે કરી ટેક્સ ચોરી! : અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી એવામાં ફરીથી ટ્રમ્પના ટેક્સ રિટર્નનો મુદ્દો ઊછળ્યો

વોશિંગ્ટન ,તા.૨૮ : ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬માં અમેરિકાના પ્રેસિડન્ટ પદે ચૂંટાયા તે વર્ષે (નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭)માં તેમણે અમેરિકામાં માત્ર ૭૫૦ ડોલર (લગભગ ૫૫,૦૦૦ રૂપિયા) ટેક્સ આપ્યો. એ જ દરમિયાન તેમની કંપનીઓએ ભારતમાં ૧,૪૫,૪૦૦ ડોલર (લગભગ ૧,૦૫ કરોડ રૂપિયા) ટેક્સ ચૂકવ્યો. હવે, જ્યારે ટ્રમ્પ બીજી વખત પ્રેસિડન્ટ તરીકે ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે ટેક્સનો મુદ્દો ઉઠ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવીને ટ્રમ્પ ૨૦૧૬માં અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા હતા. તેમની આ જીતે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ જે ટ્રમ્પે તેઓ પ્રેસિડન્ટ પદની ચૂંટણી જીત્યા તે વર્ષે ૭૫૦ ડોલર ફેડરલ ઈનકમ ટેક્સ ભર્યો. વ્હાઈટ હાઉસના પ્રવેશના પહેલા વર્ષમાં તેમણે બીજા ૭૫૦ ડોલર ભર્યા.

           રિપોર્ટ મુજબ, છેલ્લા ૧૫ વર્ષમાંથી ૧૦ વર્ષ તેમણે કોઈ ટેક્સ જમા કરાવ્યો નથી. તેના માટે તેમના તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેમને કમાણી કરતા ખોટ વધુ થઈ છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ રિપોર્ટને ફગાવી દીધો છે. તેમણે તેને ફેક ન્યૂઝ ન્યૂઝ જણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'મેં ટેક્સ ભર્યો છે. તમને ટૂંક સમયમાં જ મારા ટેક્સ રિટર્ન્સ જોવા મળશે. તેનું હાલ ઓડિટ થઈ રહ્યું છે. તે ઘણા લાંબા સમયથી ઓડિટમાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડન્ટ માટે પોતાની અંગત નાણાકીય બાબતોની જાણકારી આપવી જરૂરી નથી. પરંતુ રિચર્ડ નિક્સ (૧૯૬૯-૭૪)થી પ્રેસિડન્ટ દ્વારા અંગત નાણાકીય વ્યવહારોની માહિતી સાર્વજનિક કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે બરાક ઓબામા (૨૦૦૮-૧૬) સુધી ચાલુ રહી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે આ પરંપરાને તોડી દીધી. ૨૦૧૬ની ચૂંટણીઓમાં પણ ટ્રમ્પનું ટેક્સ રિટર્ન મહત્વનો મુદ્દો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સનો આ રિપોર્ટ પ્રેસિડન્ટ ચૂંટણી માટે થનારી પરંપરાગત પ્રેસિડેન્શિયલ ડિબેટની બરાબર પહેલા આવ્યો છે. પહેલી ડિબેટ ૨૯ સપ્ટેમ્બરએ ઓહિયોમાં થવાની છે. બીજી ડિબેટ ૧૫ ઓક્ટોબર અને ત્રીજી ડિબેટ ૨૨ ઓક્ટોબરે થશે.આ દરમિયાન ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેનના કેમ્પેન દ્વારા આ મામલાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધવામાં આવ્યું છે. ડેમોક્રેટ્સએ સોશિયલ મીડિયા દ્વારા ટ્રમ્પના આ વર્તનની ટીકા કરી છે. તેમાં કહેવાયું છે કે, ૧૯૭૦ના દાયકા બાદથી ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રેસિડન્ટ છે, જેમણે પોતાનું ટેક્સ રિટર્ન જાહેર નથી કર્યું. જોકે, કાયદાકીય રીતે આવું કરવું જરૂરી નથી, પરંતુ ટ્રમ્પે અમેરિકાની પરંપરાને તોડી નાખી. જણાવી દઈએ કે, ટ્રમ્પે તેમના ટેક્સ રિટર્ન સુધી પહોંચ બનાવવાનો પ્રયાસ કરનારા સામે કેસ પણ કર્યા હતા. જેમાં યુએસ હાઉસનો પણ સમાવેશ થાય છે, જેણે કોંગ્રેસનલ ઓવરસાઈટના ભાગરૂપે ટ્રમ્પના ટેક્સ રિટર્ન્સ મેળવ્યા હતા. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેમના કાર્યકાળના પહેલા બે વર્ષમાં ટ્રમ્પને ૭.૩૦ કરોડ ડોલર આવક થઈ હતી, જેમાંથી મોટાભાગની આવક સ્કોટલેન્ડ અને આયર્લેન્ડમાં આવેલી ગોલ્ફ પ્રોપ્રટીમાંથી થઈ હતી. કેટલીક આવક ફિલિપાઈન્સ (૩૦ લાખ ડોલર), ભારત (૨૩ લાખ ડોલર) અને તુર્કી (૧૦ લાખ ડોલર) જેવા દેશોમાં લાઈન્સિંગ ડીલ્સમાં થઈ હતી.

(12:00 am IST)