મુખ્ય સમાચાર
News of Saturday, 29th September 2018

રિલાયન્સ જીયો ગ્રાહકોઅે અેપ્લીકશનના ઉપયોગ માટે રૂપિયા ખર્ચવા પડે તેવી શક્યતા

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના ગ્રાહકોને Jio TV, Jio Cinema જેવી એપનો ઉપયોગ કરવા માટે રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. રિલાયન્સ જિયો ટાર્ગેટ્સ ડિજિટલ કન્ટેન્ટ લીડરશિપના રિપોર્ટ મુજબ, આગામી સમયમાં જિયો પોતાની એપના વપરાશ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લઈ શકે છે. માટે કંપની Freemium મોડલ લાવાનો વિચાર કરી રહી છે. ફ્રીમિયમ મોડલમાં જિયો એપ્સનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ ચાર્જ આપવો પડશે.

 

અત્યારે કંપની એપ્સના વપરાશ માટે કોઈ ચાર્જ વસૂલતી નથી. રિપોર્ટ પ્રમાણે, કંપની પોતાની એપના અમુક કન્ટેન્ટને પ્રીમિયમ કેટેગરીમાં મૂકશે જેનું એક્સેસ લેવા માટે ગ્રાહકોએ રૂપિયા ચૂકવવા પડશે. જો કે, નવું મોડલ લાગુ થયા બાદ પણ ગ્રાહકો માટે એપ તો ફ્રી રહેશે પરંતુ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે નક્કી રકમ આપવી પડશે. હજુ સુધી જાણકારી નથી મળી કે કંપની કયા કન્ટેન્ટને ફ્રી અને કયા કન્ટેન્ટને પ્રીમિયમ કેટેગરીમાં મૂકશે. જો આવું થયું તો જિયો એપ્સ વાપરવી ગ્રાહકોને મોંઘી પડી શકે છે.

જણાવી દઈએ કે, જિયો માત્ર 2 વર્ષમાં ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બની ગઈ છે. ગ્રાહકો વચ્ચે વધતી લોકપ્રિયતાનું કારણ કંપની દ્વારા અપાતી ફ્રી એપ્સ પણ છે. 2016માં લોન્ચ વખતે જિયોએ ફ્રી ડેટા અને વોઈસ કોલ આપવાની જાહેરાત કરી હતી. સિવાય કંપનીએ જિયો ટીવી, જિયો સિનેમા, જિયો મેગેઝીન જેવી ઘણી એપ્સ લોન્ચ કરી છે જેનાથી લોકોને ફ્રી મનોરંજન મળે છે. હવે કંપની એપ્સના અમુક કન્ટેન્ટને ચાર્જેબલ કરવા જઈ રહી છે.

(5:13 pm IST)