મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

વિઠ્ઠલભાઈ રાદડીયા પ્રજા માટે જાગતાં અને પ્રજાના દુઃખમાં સહભાગી થનાર સક્રિય લોકનેતા હતા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સ્વ. વિઠ્ઠલભાઈ આજે પુસ્તક સ્વરૂપે લોકો વચ્ચે પુન જીવંત બન્યા છે : પ્રશ્નોથી ભાગવાનું નહીં, પરંતુ તેનો સામી છાતીએ મુકાબલો કરવો એ રાદડીયા પરિવારનો ગુણ રહ્યો છે : નેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતા પૈકીના એક સ્વ. વિઠ્ઠલભાઈ હતા. : "સાવજ નું કાળજું" પુસ્તક નવી પેઢીને સક્રિય રાજકારણમાં સેવા કરવાની નવી પ્રેરણા આપશે : લોક સેવા માટે સમર્પિત મારા પિતાશ્રીના જીવનમાંથી મને હરહંમેશ સેવાની પ્રેરણા મળે છે : મંત્રી જયેશભાઇ રાદડીયા : મુખ્યમંત્રીના હસ્તે સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન - કવન આધારિત "સાવજ નું કાળજું" પુસ્તકનું વિમોચન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી, ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનને આલેખતા "સાવજ નું કાળજું" પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા પ્રજા માટે જાગતા અને પ્રજાના દુઃખમાં સહભાગી થનારા સક્રિય લોકોનેતા હતા.
જીવન અને મૃત્યુ એ જીવનનો ક્રમ છે, પરંતુ મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે તેવું જીવન અમુક વીરલાઓને જ પ્રાપ્ત થતું હોય છે, આ વીરલાઓ પૈકીના એક એવા સ્વ. વિઠ્ઠલભાઈ આજે આપણી વચ્ચે નથી, તેમ છતાં પણ તેઓ આજે પણ લોક હ્રદયમાં જીવંત બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, લોકનેતા સક્રિય હોય, જાગતો હોય, પ્રજાના પ્રજાના કાર્યો માટે હરહંમેશ તૈયાર હોય તેવા જૂજ નેતાઓ પૈકીના એક લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા. તેઓ આજે "સાવજ નું કાળજું" પુસ્તક સ્વરૂપે લોકો વચ્ચે પુનઃ જીવંત બન્યા છે. આ પુસ્તક નવી પેઢીને સક્રિય રાજકારણમાં લોકોની સેવા કરવાની નવી પ્રેરણા આપતું રહેશે.
મુખ્યમંત્રીએ પ્રજાના પ્રશ્નો માટે હરહંમેશ જાગૃત રહેલા રાદડીયા પરિવારના કાર્યને બિરદાવતાં ઉમેર્યું હતું કે, પ્રશ્નોથી ભાગવાનું નહીં, પરંતુ તેનો સામી છાતીએ મુકાબલો કરવો એ રાદડીયા પરીવારનો ગુણ રહ્યો છે. તેમણે આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની તેમના પિતા શ્રી સ્વ. વિઠ્ઠલભાઈની જેમ લોકોની સેવા કરવાની ભાવનાને પણ બિરદાવી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત દસો દિશામાં આગળ વધે અને "સબ સમાજ કો સાથ લિયે આગે બઢતે જાના હૈ" ના મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે મારા પિતાનું સમગ્ર જીવન લોકસેવાને સમર્પિત હતું . તેમનું જીવન અને લોક સેવાના કાર્યો સમાજ સેવાની પ્રેરણા આપે છે . સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન રાહત સમિતિ , સિટી કાઉન્સીલ ઓફ જેતપુર સહિતની સંસ્થાઓના ઉપક્રમે જેતપુર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે તેમજ સૌરાષ્ટ્રમાં વિવિધ ૪૦ જેટલા સ્થળોએ સેવાના કાર્યો તેમજ રક્તદાન કેમ્પ અંતર્ગત સાત હજાર બોટલ રક્ત દર્દીઓની સારવાર માટે એકત્ર થયું છે, તેમ જણાવીને મંત્રીશ્રીએ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સહભાગી થનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી જયેશભાઇ રાદડિયાએ વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન કવનને ઉજાગર કરતા "સાવજનું કાળજુ" પુસ્તકના લેખક રવજી ગાબાણીને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું. પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં ૬૧,૦૦૦ રેકોર્ડ બ્રેક પ્રત છપાતા અને તેની ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડએ પણ નોંધ લીધી છે. મહાનુભાવોએ લેખક ઉપરાંત પ્રકાશન ટીમને પણ બિરદાવી હતી.
આ પ્રસંગે અગ્રણી જેન્તીભાઇ રામોલિયાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાસુમન અર્પણ કરી મેગા સર્વરોગ મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ ની મુલાકાત લઈને રક્તદાતાઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે સર્વ  ભૂપતભાઈ બોદર, ભરત ભાઈ બોધરા, મનસુખભાઈ ખાચરિયા, જશુમતીબેન કોરાટ, રાજુભાઈ હીરપરા, ગોરધનભાઈ ધામેલિયા, ગોવિંદભાઈ રણપરીયા, જયરાજસિહ જાડેજા, લલિતભાઈ રાદડિયા, સુરેશ રાખોલીયા,વેલજીભાઈ સરવૈયા, રામભાઈ જોગી, શ્રીમતી કુસુમબેન  સહિત અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(7:25 pm IST)