મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

મેડિકલમાં ઓબીસીને ૨૭ અને EWSને ૧૦ ટકા અનામત મળશે

પછાતો અને આર્થિક પછાતોને અનામતનો લાભ આપવા સરકાર પ્રતિબધ્ધ : આશરે ૫૫૫૦ વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે, આ સ્કીમ ૨૦૨૧-૨૦૨૨ના સત્રથી લાગૂ થશે, લાંબા સમયની માગને સંતોષતી કેન્દ્ર સરકાર

 

નવી દિલ્હી, તા.૨૯ : મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબલ્યુએસ) માટે અનામત લાગૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ) માટે ૨૭ ટકા અને ઈડબલ્યુએસ કોટામાં ૧૦ ટકા અનામત મળશે. સ્કીમ ૨૦૨૧-૨૦૨૨ના સત્રથી લાગૂ થશે. જાણકારી પ્રમાણે આશરે ૫૫૫૦ વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને ઈડબલ્યુએસને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા રિવ્યૂ મીટિંગ પણ કરી હતી.

મહત્વનું છે કે એનડીએના અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ કોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માગ કરી હતી ઘણાં લાંબા સમયથી ઓબીસીને ઓલ ઈન્ડિયા ક્વોટા અંતર્ગત અનામત આપવાની માગણી થઈ રહી હતી. વડાપ્રધાન મોદીએ ૨૬ જુલાઈના રોજ રિવ્યુ બેઠકમાં તેનું જલ્દી સમાધાન શોધવા પણ વાત કરી હતી.

દર વર્ષે એમબીબીએસમાં લગભગ ૧૫૦૦ ઓબીસી સ્ટૂડન્ટ્સ અને પોસ્ટગ્રેજ્યુએટ્સમાં ૨૫૦૦ ઓબીસી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. રીતે એમબીબીએસમાં લગભગ ૫૫૦ ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૧૦૦૦ ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.

વ્યવસ્થા ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત યુજી અને પીજી મેડિકલ/ડેન્ટલ કોર્સીઝ (એમબીબીએસ/એમડી/એમએસ/ડિપ્લોમા/બીડીએસ/એમડીએસ) માટે હાલના એકેડેમિક સત્ર ૨૦૨૦-૨૧થી લાગુ થશે.

ઘણા સમયથી તેને લઈને માગ થઈ રહી હતી. એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી નીટ યુજી અને પીજીમાં અખિલ ભારતીય કોટામાં ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો માટે યોગ્ય અનામતની માગ કરી હતી.

બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા મેડિકલ એજ્યુકેશન કોટામાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે અનામતના મુદ્દાની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત મંત્રાલયોને તેને પ્રાથમિકતાના આધાર પર ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. સોમવારે બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદા તેમજ ન્યાય અને સમાજ કલ્યાણ સચિવોની સાથે-સાથે અન્ય સીનિયર અધિકારી પણ સામેલ થયા અને કોટાના મુદ્દે ચર્ચા કરવામાં આવી.

મેડિકલ શિક્ષણમાં ઓલ ઈન્ડિયા કોટામાં ઓબીસી અનામત આપવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે. દેશની જુદી-જુદી કોર્ટોમાં ઘણા કેસ પણ થયા છે અને પરંતુ મામલો લાંબા સમયથી પડતર છે.

(7:03 pm IST)