મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

સ્વામીજી સેવા, ભકિત અને સમર્પણના જીવંત ઉદાહરણ સમા હતા : નરેન્દ્રભાઈ

હરિપ્રસાદ સ્વામીના નિધન પર વડાપ્રધાને શોક સંદેશ પાઠવ્યો

નવી દિલ્હી,તા.૨૯: સોખડા-હરિધામ મંદિર ખાતે પૂ. હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી એક લાખથી વધુ હરિભકતો દર્શન કરી ચૂકયા છે. મંદિર બહાર ભકતોની ૨ કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે. તો સોખડા મંદિરની આસપાસના ખેતરોમાં ૨ હજારથી વધુ વાહનો પાર્ક થયા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સોખડા મંદિરને શોક સંદેશ પાઠવ્યો છે.

પીએમ મોદીએ પૂ.હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી દુખની લાગણી વ્યકત કરી છે. તેમણે શોક સંદેશમાં સ્વામીજીને સેવા, ભકિત અને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ વિદેશના લાખો અનુયાયીઓના જીવનમા પરિવર્તન લાવવા સેતુ રૂપ બન્યા છે. વિચાર દર્શનનુ પ્રતિક એવુ સોખડા હરિધામ પ્રેરણા તીર્થધામ બન્યું છે. સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળ્યો છે. તો પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામી મહારાજના આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

(2:54 pm IST)