મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

પુલવામા : ત્રાસવાદીઓ સામે શરૂ થયેલુ ફરી મોટુ ઓપરેશન

કુખ્યાત ત્રાસવાદી નાવિદ સહિતના લોકો ફસાયા : નાવિદ જટ સહિતના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવા દિલધડક ઓપરેશન : સ્થાનિક યુવાનો અડચણરરુપ

શ્રીનગર, તા. ૨૯ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરીએકવાર ત્રાસવાદીઓની સામે મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પુલવામાના છતપોરા વિસ્તારમાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. આ અથડામણ દરમિયાન સમગ્ર વિસ્તારમાં હિંસક પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે અહીં ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. સુત્રોના કહેવા મુજબ સેનાને આ અથડામણમાં તોઇબાના કમાન્ડર અને સુજાત બુખારીની હત્યામાં આરોપી રહી ચુકેલો નાવિદ જટ સ્થાનિક વિસ્તારમાં છુપાયેલો હોવાની શંકા દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે સમગ્ર ઓપરેશનને ખુબ સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, સુરક્ષા સંસ્થાઓને પુલવામામાં મુખ્ય શહેરની પાસે છતપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિસ્તારમાં સેનાની ૫૫ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ કાશ્મીર પોલીસ, એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્તરીતે ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા બાદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહી શરૂ થઇ હતી. સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં વધારાના સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ એવા અહેવાલ પણ મળ્યા છે કે, ત્રાસવાદીઓ સાથે અથડામણમાં ખલેલ પહોંચાડવા માટે તોફાની તત્વોના એક જૂથ દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના લીધે બહારના ઘેરામાં રહેલા સીઆરપીએફના જવાનોએ ટીયરગેસના સેલ છોડ્યા હતા અને ટોળાને વિખેરી નાંખવામાં સફળતા મેળવી હતી. સુજાત બુખારીની હત્યામાં મુખ્ય અપરાધી નાવિદ જટ પુલવામામાં છુપાયેલો હોવાની માહિતી મળી રહી છે. પત્રકાર સુજાત બુખારીની હત્યામાં તેનો હાથ રહેલો છે. ૧૪મી જૂનના દિવસે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે પત્રકાર સુજાત બુખારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગુરુવારના દિવસે ચાર આતંકવાદીઓની ઓળખ કરી હતી જેમાં નાવિદ જટ ઉપરાંત અન્ય ત્રણ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. સુજાત બુખારીને મારવાનો આદેશ તોઇબાના લીડર હાફીઝ સઇદ તરફથી અપાયો હતો. તેને અંજામ આપવા માટે ખુબ ઓછા લોકોની ટોળકી સક્રિય થઇ હતી. ત્રાસવાદી સજ્જાદ ગુલને આ કામ માટે સ્થાનિક ત્રાસવાદીઓની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલા હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. આ હત્યામાં સામેલ રહેલા હુમલાખોરો પૈકી એક પાકિસ્તાનથી છે. જ્યારે અન્ય બે દક્ષિણ કાશ્મીરના હોવાનું જાણવા મળ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યામાં નાવેદ જટ્ટનું નામ પણ સામેલ આવી રહ્યું છે જે લશ્કરે તોયબા સાથે જોડાયેલો આતંકવાદી છે.  સૂત્રોના કહેવા મુજબ સુજાતની હત્યાના મામલામાં પાકિસ્તાન તરફથી એક મોટા કાવતરાના ઈનપુટ પણ મળી રહ્યા છે. હવે તપાસ સંસ્થાઓ ઉંડી તપાસમાં લાગેલી છે. આ હત્યાકાંડમાં સામેલ એક આતંકવાદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ અન્યના સંદર્ભમાં એસઆઈટી અને અન્ય એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. પત્રકારની હત્યામાં એક પાકિસ્તાની ત્રાસવાદી સામેલ હોવાની વિગત સપાટી ઉપર આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અથવા કોઈ અન્ય તપાસ સંસ્થા હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરી શકી નથી. પૂર્વમાં સેનાની ૧૫મી કોરથી જીઓસી લેફ્ટી. જનરલ એ.કે. ભટ્ટે આ હત્યાકાંડ પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની વાત કરી હતી.

(7:52 pm IST)