મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

અમેરિકા : ન્યૂઝ પેપરની ઓફિસમાં અંધાધૂંધ ગોળીબાર : ૫નાં મોત

કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર

વોશિંગ્ટન તા. ૨૯ : અમેરિકામાં એક બિલ્ડિંગમાં કરાયેલા ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જયારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજી મૃતાંક વધવાની આશંકા પોલીસે વ્યકત કરી છે. આ બિલ્ડિંગમાં એનાપોલિસથી પ્રકાશિત થતા કેપિટલ ગેજેટની ઓફિસ પણ છે. ગોળીબાર આ જ ઓફિસમાં કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક શહેર વોશિંગ્ટનથી પશ્યિમ તરફ એક કલાકના અંતરે આવેલું છે.

કેપિટલ ગેજેટમાં કોર્ટ અને ક્રાઇમ બીટ સંભાળતા રિપોર્ટર ફિલ ડેવિસે ટ્વીટ કર્યું છે કે, 'એક બંદૂકધારીએ કાચના દરવાજાની બીજી તરફથી ઘણા કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.'

ડેવિસે આગળ લખ્યું છે કે, 'આનાથી ભયાનક બીજું કશું ન હોઈ શકે, જયારે તમે ડેસ્કની નીચે હોવ, તમારા લોકોને ગોળીઓ વાગતી હોય અને બંદૂકધારી દ્વારા રિલોડ કરવાના અવાજ સંભળાતા હોય.'

સીબીએસ ન્યૂઝે કેટલાક સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, આ ગોળીબારમાં લગભગ પાંચ લોકોનાં મોત નીપજયાં છે. ન્યૂઝ પેપરની ઓફિસ એનાપોલિસની ચાર માળની ઇમારતમાં આવેલી છે. એનાપોલિસ અમેરિકન રાજય મેરીલેન્ડની રાજધાની છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.

ગોળીબાર બપોરના સમયે કરવામાં આવ્યો હતો. બ્યુરો ઓફ આલ્કોહોલ, ફાયર આર્મ્સે ટ્વીટ કરી જણાવ્યું છે કે, 'એટીએફ બાલ્ટીમોર કેપિટલ ગેજેટમાં થયેલા ગોળીબાર માટે જવાબદાર છે.' જયારે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો છે.

(11:11 am IST)