મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

પંજાબી ગાયક સિદ્ઘુ મુસેવાલાની હત્યાની કેનેડાના ગોલ્ડી અને લોરેન્સ બિશ્નોઈએ લીધી જવાબદારી

28 વર્ષીય મુસેવાલાને લગભગ 30 ગોળીઓ વાગી હતી

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડાના ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈએ  આ હત્યાની જવાબદારી લીધી છે.

 સિદ્ધુ મુસેવાલાની પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાજ્ય સરકારે એક દિવસ પહેલા મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. માનસાના નાયબ પોલીસ અધિક્ષક ગોબિન્દર સિંહના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય મુસેવાલાને લગભગ 30 ગોળીઓ વાગી હતી. હુમલા સમયે તે એક ગામમાં તેની જીપમાં હતો. માનસા સિવિલ સર્જન ડૉ. રણજીત રાયે પત્રકારોને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા જ મુસેવાલાનું મૃત્યુ થઈ ગયું હતું.

મુસેવાલાએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. વિજય સિંગલાની સામે હાર્યા હતા. કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ મુસેવાલાની હત્યા પર આઘાત અને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમની સુરક્ષા પાછી ખેંચવા માટે રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકારને નિશાન બનાવી હતી.

 

પંજાબના સીએમ ભગવંત માને આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું સિદ્ધુ મુસેવાલાની જઘન્ય હત્યાથી આઘાતમાં છું અને ખૂબ જ દુઃખી છું. આમાં સામેલ કોઈપણને બક્ષવામાં આવશે નહીં. મારા વિચારો અને પ્રાર્થના તેના પરિવાર અને વિશ્વભરના તેના ચાહકો સાથે છે. હું બધાને શાંત રહેવાની અપીલ કરું છું.

તે જ સમયે, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. મેં હમણાં જ પંજાબના સીએમ માન સાહેબ સાથે વાત કરી. ગુનેગારોને આકરી સજા આપવામાં આવશે. હું દરેકને શાંત રહેવા વિનંતી કરું છું. તેમની આત્માને શાંતિ મળે.

મુસેવાલાને કોંગ્રેસમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વડિંગે કહ્યું કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી. વડિંગે ટ્વીટ કર્યું, ‘ભગવંત માન સરકારે સુરક્ષા પાછી ખેંચી લીધાના 2 દિવસ પછી માનસામાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે તેની નૈતિક સત્તા ગુમાવી દીધી છે. તેને કાઢી મૂકવી જોઈએ.

(11:08 pm IST)