મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

શ્રમિક સ્પેશિયલ ટ્રેનના શૌચાલયમાં મજુરનો મૃતદેહ મળ્યો

મૃતદેહને પોસ્ટમોર્ટમ અને કોવિડ તપાસ માટે મોકલવામાં આવ્યો

ઝાંસી : ઉત્તર પ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશન પર થોભેલી શ્રમિક સ્પેશષિયલ ટ્રેનના શૌચાલયમાં 38 વર્ષીય પરપ્રાંતિય મજૂરનો મૃતદેહ મળ્યો. મૃતદેહ પાસેથી મળેલા ડોક્યુમેન્ટથી જાણવા મળ્યું કે, આ યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી મોહનલાલ શર્મા છે. શર્મા મુંબઇમાં દૈનિક વેતન મજૂરી કરતો હતો. તે પોતે જ મુંબઈથી ઝાંસી પહોંચ્યો હતો, જ્યાં વહિવટીતંત્રએ પરપ્રાંતિય મજૂરોને અટકાવ્યા હતા. 23 મેના રોજ આ પરપ્રાંતિય મજૂરોને ગોરખપુર જતી ટ્રેનમાં બેસાડી દેવાયા હતા. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન ગોરખપુર હતું કે પછી તે બિહાર તરફ આગળ વધવાની હતી.

આ ટ્રેન બુધવારે ઝાંસી પરત ફરી હતી. ગુરુવારે રેલવેના કર્મચારીઓ આગામી મુસાફરી માટે ટ્રેનને સેનેટાઈઝ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ટોયલેટમાંથી મોહનલાલ શર્માનો મૃતદેહ મળ્યો. આ કર્મચારીઓએ તુરંત તેમના અધિકારીઓને આ અંગે જાણકારી આપી. મોહનલાલ શર્માના પરિવાર સાથે સંકળાયેલા કન્હૈયા લાલ શર્માએ જણાવ્યું કે, ઝાંસી પોલીસે ગામના વડાને ફોન કરીને મોહનલાલના મોત અંગે માહિતી આપી હતી. મોહન લાલની પાસે 28 હજાર રૂપિયા રોકડ, સાબુ અને કેટલાક પુસ્તકો હતા. મુંબઈમાં કામ ન મળતાં મોહનલાલે ઝાંસી પરત જવાનું નક્કી કર્યું હતું.

બીજી તરફ ઝાંસી પોલીસે જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ અને કોવિડ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે

(12:46 pm IST)