મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ભારત વિરૂદ્ધ ઝેર ઓંકનારા મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને મોટો ઝટકો: પાર્ટીમાંથી કાઢી મુક્યા

સંસદીય સત્રમાં વિપક્ષ સાથે બેસવાના કારણે પાર્ટીમાંથી બરતરફ કરાયા

કુઆલાલંપુર :મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદને સંસદીય સત્રમાં વિપક્ષ સાથે બેસવાના કારણે પાર્ટીમાંથી બરતરફ કરાયા છે. મહાતિરને જે રાજકીય પાર્ટીમાંથી કાઢી મૂકાયા છે. તેઓ તેના સહ-સંસ્થાપક રહ્યા છે. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર કાશ્મીર મુદ્દે અને નાગરિકતા સંશોધન કાયદા પર ભારત વિરૂદ્ધ કરેલી ટીકાને લઈને ચર્ચામાં આવ્યા હતા.

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદે ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારત પર કાશ્મીર પર બળપૂર્વક કબ્જો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ટિપ્પણીને લઈને ભારતમાં આકરી પ્રતિક્રિયા કરાઈ અને મલેશિયાથી ખાદ્ય તેલના આયાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

જોકે, મલેશિયામાં સત્તા બદલવાની સાથે જ ભારતની સાથે સંબંધોમાં પણ સુધારો થયો. આ મહિને, ભારતે મલેશિયામાંથી ખાદ્ય તેલની આયાત કરવાની શરૂ કરી છે. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ પોતાના જ દેશ અને પાર્ટીમાં ખૂણામાં પહોંચી ગયા છે.

યુનાઈટેડ ઈન્ડિજિન્સ પાર્ટી ઑફ મલેશિયાએ ગુરૂવારે જારી નિવેદનમાં કહ્યુ, મહાતિરની પાર્ટીની સદસ્યતા તત્કાલ પ્રભાવથી રદ કરવામાં આવે છે. પાર્ટી ચેરમેન રહેલા મહાતિરે મલેશિયાની મોહિઉદ્દીન યાસીનના નેતૃત્વવાળી વર્તમાન સરકારને સમર્થન આપ્યુ નહીં જેના કારણે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકાયા છે. મલેશિયામાં માર્ચ મહિનામાં થયેલા મોટા રાજકીય ફેરબદલ બાદ મહાતિરની જગ્યાએ મોહિઉદ્દીન યાસીન વડાપ્રધાન બન્યા હતા.

(12:16 pm IST)