મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

વિશ્વભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ભારતને બચાવવા રણભૂમિમાં અડીખમ યોધ્ધા બની લડી રહ્યા છે નરેન્દ્રભાઇ

કોરોનાની સાથે સાથે શરૂ થયું છે કોલ્ડ વોર : પાકિસ્તાનના ઉંબાડિયા : નેપાળની આડોડાઇ : ચાઇનાનો નાક દબાવવાનો પ્રયાસ : નરેન્દ્રભાઇ નમતું જોખવાને બદલે લડી લેવા તૈયાર : જનતા કર્ફયુ - લોકડાઉનનો કઠોર નિર્ણય - હજારો જીંદગીને બચાવી : વિશ્વએ પણ માન્યું... કોરોનાની લડાઇમાં મોદી નંબર વન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની સેકન્ડ ઇનિંગનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાને આડે છે. પરંતુ આ વર્ષ કપરૃં રહ્યાનું જણાય રહ્યું છે.

એટલું જ નહિ નરેન્દ્રભાઇ માટે પણ આ વર્ષ સંઘર્ષમય જ રહ્યું. એક બાજુ દેશમાં મંદીએ ભરડો લીધો હતો. કોઇ પણ સંજોગોમાં અર્થતંત્રને નિશ્ચિત લક્ષ્યાંકો સુધી લઇ જવા પરિશ્રમ ચાલુ હતો. છતાં પરિણામ ના મળતું હતું.

આ સ્થિતિમાં કુદરતને પણ જાણે કસોટી કરવાનું મન થયું હોય તેમ કોરોના નામના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો. ચાઇનાથી લઇ વિશ્વના આશરે ૧૮૦ થી પણ વધુ દેશોમાં તબાહી મચાવનાર આ વાયરસે ભારતને પણ છોડયું નથી. વિશ્વના માંધાતા દેશો અમેરિકા, ઇટલી, જાપાન, ફ્રાંસ સહિતના કેટલાય દેશોએ આની સામે ઘુંટણિયા ટેકવી દીધા છે.

હોસ્પીટલોમાં ખાટલાઓ ખુટયા. કબ્રસ્તાનોમાં જગ્યાઓ ખુટી. કોફીનોની ભરમાર લાગી. ઠેર ઠેર લાશોના ઢગલા. કોઇ જ દવા નહિ. કોઇ જ વેકસીન નહિ. સર્વત્ર માત્ર ને માત્ર લાચારી. બધાએ સ્વીકાર્યું. ઉપરવાળા સિવાય કોઇ આરો નથી.

હવે જયાં વિશ્વની મહાસતાઓ હાફી જાય ત્યાં ભારતની શું વિસાત. અને એ પણ ૧૩૦ કરોડની વસ્તીમાં. પરંતુ આપણને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મળ્યા.

વિદેશની સ્થિતી ઉપરથી અંદાજ કાઢી આગોતરૃં આયોજન હાથ ધર્યું. સૌ પહેલાં તો પ્રજાજનોને જનતા કર્ફયુની કરી અપીલ અને પ્રજાજનોએ પણ અપીલનું માન રાખી દેશભરમાં જનતા કર્ફયુ રહ્યો.

નરેન્દ્રભાઇ સ્થિતી અનુસાર નિર્ણયો લેતા ગયા. અને એમણે કરેલી અપીલ દેશની સમગ્ર જનતાએ એક જ વાકયમાં માની લીધી. અને પછી શરૂ થયો લોકડાઉનનો દોર. લોકડાઉન-૧ રપ માર્ચથી ૧૪ એપ્રિલ ર૧ દિવસનું લોકડાઉન. લોકડાઉન-૧ ઘણા અંશે મળી સફળતા.

પરંતુ સ્થિતી હજુ પણ કાબુમાં ના જણાતા ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરી નરેન્દ્રભાઇએ ૧પ એપ્રિલથી ૩જી મે સુધીનું લોકડાઉન-રનું એલાન કર્યું. કયાંક વિરોધ પણ થવા લાગ્યો. તો વિપક્ષોને એક નવો મુદ્દો પણ મળ્યો. રાજકીય રોટલા પણ શેકાયા.

પરંતુ નરેન્દ્રભાઇને પ્રજાજનોનો અકલ્પનીય સાથ મળ્યો. દેશના કોઇ નેતા કાંઇક, રાષ્ટ્રજોગ સંબોધન કરે અને દેશની કરોડો જનતા ટીવી સામે આતુરતાથી બેસી જાય એવું ભાગ્યેજ કયાંય બન્યું હશે.

નરેન્દ્રભાઇએ આટલી ગંભીર સ્થિતીને ગંભીર ના બનવા દીધી. કયારેક બાલ્કનીમાં તાળીઓ પડાવીને કે થાળીઓ વગાડીને તો કયારેક રાત્રે દિવડાઓ પ્રગટાવીને પ્રજાજનોના મુડને હળવો કરવા સતત પ્રયાસ કરતા રહ્યા.

આપણને થાય કે એમાં શું કરવાનું. પરંતુ એ તો નરેન્દ્રભાઇના છેલ્લા પાચેક માસના કાર્યસુચિ ઉપરથી જ ખ્યાલ આવે કે કેટલી કપરી જવાબદારી છે. કેવું કેવું આયોજન કરવું પડે છે. કયા દેશોની શું પરિસ્થિતિ છે. કયા કયા દેશોએ શું પગલા લીધા છે. દવા અને વેકસીન નથી તો એના વિકલ્પ રૂપે શું ? કઇ વસ્તુની જવાબદારી કોને સોંપવી.

પરંતુ નરેન્દ્રભાઇ તમામ ગતિવિધિઓ ઉપર સતત મોનીટરીંગ કરતા રહ્યા. એક પછી એક પગલાઓ લેતા ગયા. સમગ્ર દેશને સંભાળવાનો હતો. વારંવાર દરેક રાજયના મુખ્યમંત્રીઓના સતત સંપર્કમાં રહી જેતે વિસ્તારની સમસ્યાઓ સમજી આગળ નિર્ણય લેતા ગયા.

વિશ્વના જમાદાર સમા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અર્થ વ્યવસ્થાને પ્રાધાન્ય આપી માનવ જીંદગીનું મુલ્ય ના સમજયા અને તેમણે પ્રારંભે લોકડાઉન ના કર્યું.

આપણે ત્યાં પણ મંદીના દોર વચ્ચે આ મહામારીએ કંઇ કેટલાની આર્થિક કમર તોડી નાખી. ધંધા-રોજગારનો તો જાણે વીંટો વળી ગયો. લાખો શ્રમિકોએ આજીવિકા ગુમાવી. આમ છતા આપણે ત્યાં પ્રજાજનોની જીંદગી બચી.

વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે ત્યાં મૃત્યુ દરનું પ્રમાણ ખુબજ ઓછું રહ્યું. આ સ્થિતિમાં પણ નરેન્દ્રભાઇએ હાર ના માની. પ્રજાજનોને વિનંતી કરી લોકડાઉનનો દોર આગળ ધપાવ્યો.

૪થી મે થી ૧૭ મે સુધી આપ્યું ત્રીજુ લોકડાઉન. એમ લાગ્યું કે હજુ પણ થોડી ધીરજ રાખવી જોઇએ. એટલે ફરી કેટલીક શરતી છુટછાટો સાથે ૧૮ મે થી લઇ ૩૧ મે સુધીનું ચોથું લોકડાઉન પણ જાહેર કર્યું.

જો કે ભારતમાં આવેલા પોઝીટીવ કેસ મરણ આંક અને રિકવર થયેલા કેસો અન્ય દેશોએ જોતા ખરેખર લોકડાઉનનો નિર્ણય યોગ્ય જણાઇ રહ્યો છે. અને દુનિયાએ પણ માન્યુ કે કોરોનાની લડાઇમાં મોદી છે નંબર વન...

અમેરિકાની પ્રખ્યાત સર્વે એજન્સી ગેલ અપેના સર્વેએ પણ માન્યુ કે ભારતના ૯૧ ટકા લોકોએ કોરોના પર મોદી સરકારની કામગીરી પર વિશ્વાસ વ્યકત કર્યો છે એટલુ જ નહિ ૨૮ દેશોની સરકારોના કાર્યોમા પણ મોદી કોરોનાની લડાઇમાં વિશ્વમાં પ્રથમ નંબરના નેતા છે.

આ ઉપરાંત અમેરિકાની સર્વે એજન્સી મોર્નિગ કન્સલ્ટે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇને વિશ્વના ૧૦ મોટા દેશોના નેતાઓમાં પ્રથમ સ્થાન આપ્યુ છે. તો શું એ આપણા માટે ગૌરવની વાત ના ગણાય..?

કોરોનાની આ લડાઇમાં સ્થિતિનો તાગ મેળવવા પણ દેશના જ નહિ વિશ્વભરના નેતાઓ જોડે સતત સંપર્કમાં રહી આગળના નિર્ણયો લેતા ગયા. કોરિયાના રાષ્ટ્રપતિ, નેપાલના વડાપ્રધાન, જાપાનના વડાપ્રધાન, ઓમાનના સુલતાન સ્વીડનના વડાપ્રધાન, બહેરીનના રાજા, ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ અમેરિકાના પ્રેસિડન્ટ, સ્પેનના વડાપ્રધાન, ઇજરાયલના વડાપ્રધાન, સિંગાપુરના પ્રધાનમંત્રી..

આર્યલેન્ડના વડાપ્રધાન, માલદીવ્સના વડાપ્રધાન. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, જોર્ડનના રાજા જેવા વિવિધ દેશોના અગ્રણીઓ જોડે સંપર્કમાં રહી સ્થિતિ સમજતા રહયા. આપણા જુનાગઢના ૯૯ વર્ષીય રત્નાભાઇ સાથે વાત કરી દાન આપવા બદલ આભાર માન્યો.

સુરતના નરોતમભાઇ પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરી ઉત્તરાખંડના ભાજપના નેતા જોડે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો. દેશની સ્થિતિનો દર કલાકનો રિપોર્ટ મેળવતા ગયા અને એના આધારે જે તે વિભાગને સુચનાઓ આપી નવા નિર્ણયો લેતા ગયા.

કોરોનાની આ કપરી લડાઇનો સામનો કરી રહ્યા છે ત્યારે પાડોશી દેશોના ઉબાડિયાએ કોલ્ડ વોરની સ્થિતી ઉભી કરી છે. પાકિસ્તાન છેલ્લા કેટલાય દિવસથી સરહદે ઉબાડિયા કરી નાપાક હરકતો કરી રહ્યું છે.

એની સાથે હવે અચાનક જાણે નેપાળને પણ ચાનક ચઢી હોય તેમ નવો વિવાદ ઉભો કર્યો છે. કદાચ આની પાછળ ચાયનાનો જ હાથ જણાઇ રહ્યો છે. આ બંને દેશો ઓછા હોય તેમ ચીને પણ સ્થિતીનો લાભ લેવા આડકતરી રીતે આડોડાઇ હાથ ધરી છે. સરહદે સૈનિકો ગોઠવી ડરાવવા માંગે છે.

આ સ્થિતીમાં પણ નરેન્દ્રભાઇ કોઇપણ ભોગે દેશહિત માટે નમતું જોખવા તૈયાર નથી. દેશની આવી કપરી સ્થિતિમાં પણ નરેન્દ્રભાઇએ ચાઇના સામે લાલ આંખ કરી તુરંત લશ્કરી વડાઓ સાથે બેઠક કરી આપણે પણ સરહદે લશ્કર ગોઠવી દીધું.

અને જાણે એવો સંદેશો પાઠવ્યો કે ઇંટનો જવાબ પથ્થરથી આપવા અમે સક્ષમ છીએ. કોરોનાની મહામારીની સ્થિતીમાં સમગ્ર દેશ લાચાર સ્થિતિમાં છે. અર્થ વ્યવસ્થાને જબરી માર પડી છે. જીડીપીની સ્થિતીનો કોઇ અંદાજ નથી. આમ છતાં નરેન્દ્રભાઇ ટકકર આપવા સક્ષમ બની બેઠા છે.

આને પ૬ની છાતી નહીં તો બીજું શું કહેવાય ?

(4:04 pm IST)