મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

લોકડાઉનમાં પણ મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના શેરોમાં ચમકારો

નવી દિલ્હી તા. ર૯: આઠ અગ્રણી બિઝનેસ ગ્રુપ શેર બજારના માટે નવા કોરોના યોધ્ધાના રૂપમાં બહાર આવ્યા છે. મુંબઇ સ્ટોક એકસચેંજ પર લીસ્ટેડ બધી કંપનીઓની કુલ બજાર મૂડીના વધારામાં તેમનું યોગદાન ર૩ ટકા રહ્યું છે. તેમાંથી ૬ ગ્રુપોએ બજારમાં અપેક્ષા કરતા પણ સારૃં પ્રદર્શન કર્યું છે. મુકેશ અંબાણી, ભારતી, અદાણી, સન ફાર્મા, વેદાંતા અને શિવનાડર ગ્રુપની માર્કેટ વેલ્યુ હાલના સમયમાં ૩૦ ટકાથી વધારે વધી છે. આદિત્ય બિરલા અને રાધાકૃષ્ણ દામાણી ગ્રુપે પણ લોકડાઉન પછીથી સારો દેખાવ કર્યો છે.

૧ર ગ્રુપોની યાદીમાં ફકત બજાજ જ એક માત્ર કંપની છે જેની બજાર મૂડી લોકડાઉન પછી ૧ ટકો ઘટી છે. ખરેખરતો નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ બજાજ ફાયટનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં ઘટાડો થયો છે. જોકે લોકડાઉન દરમ્યાન વાહનોનું ઉત્પાદન ન કર્યું હોવા છતાં બજાજ ઓટોની મૂડી ૩૪ ટકા વધી છે.

લોકડાઉન દરમ્યાન સફળતા પૂર્વક મુડી ભેગી કરવાના કારણે મુકેશ અંબાણી ગ્રુપની બજાર વેલ્યુમાં ૭૮ ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સહાયક કંપની જીયો પ્લેટફોર્મ્સ વિભીન્ન કંપનીઓને ૧ર ટકા હિસ્સો વેચીને ૭૮પ૬ર કરોડ રૂપિયા ભેગા કર્યા છે. તેનાથી કંપનીનું મૂલ્યાંકન લગભગ ૪.૯ લાખ કરોડ થઇ ગયું.

(11:23 am IST)