મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કોરોના બેફામ બન્યો ૨૪ કલાકમાં ૭૪૬૬ કેસઃ ૧૭૫ના મોત

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા થઈ ૧૬૫૭૯૯: કુલ મૃત્યુઆંક ૪૭૦૬: સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં ૧૭૯૨: ગુજરાતનો આંકડો ૯૧૫: મુંબઈમાં ૨૪ કલાકમાં ૧૪૩૮ નવા કેસ નોંધાયાઃ મહાનગરમાં સંક્રમણનો આંકડો ૩૫૦૦૦ ઉપરઃ વધુ ૩૮ મોત સાથે મુંબઈનો મૃત્યુઆંક ૧૧૦૦થી વધુ

નવી દિલ્હી, તા. ૨૯ :. ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૬૬ નવા કેસ સામે આવ્યા છે. એ સાથે જ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૬૫૭૯૯ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવારે કોરોનાએ ૧૭૫ લોકોનો ભોગ લીધો હતો. એ સાથે કુલ મૃત્યુઆંક ૪૭૦૬નો થયો છે. દેશમાં અત્યારે ૮૯૯૮૭ પોઝીટીવ કેસ છે. જ્યારે ૭૧૧૦૫ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.

દેશમાં સંક્રમણથી અત્યાર સુધીમાં ૪૭૦૬ દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી ૧૭૯૨ દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં, ૯૧૫ ગુજરાતમાં, મ.પ્રદેશમાં ૩૦૫, દિલ્હીમાં ૨૮૮ અને પ.બંગાળમાં ૨૮૩ના મોત થયા છે. રાજસ્થાન અને યુપીમાં ૧૭૦ના મોત થયા છે તો તામીલનાડુમાં ૧૨૭, આંધ્ર અને તેલંગણામાં ૫૭ના મોત થયા છે.

કોવિડ-૧૯ને કારણે કર્ણાટકમાં ૪૪, પંજાબમાં ૪૦, જમ્મુ કાશ્મીરમાં ૨૪, હરીયાણામાં ૧૭, બિહારમાં ૧૩, ઓડિસામાં ૭, કેરળમાં ૬, હિમાચલમાં ૫, ઝારખંડ-ઉતરાખંડ-ચંડીગઢ અને આસામમાં ૪ - ૪ ના મોત થયા છે. મેઘાલયમાં ૧નુ મોત થયુ છે.

મુંબઈમાં ગઈકાલે ૧૪૩૮ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૫૦૦૦ ઉપર પહોંચ્યો છે. વધુ ૩૮ લોકોના મોત થતા કુલ મૃત્યુ ૧૧૦૦થી વધુના થયા છે.  તમામ પ્રયાસો છતા ભારતમાં કોરોના કાબુમાં આવતો જ નથી. કેસ વધે છે એટલુ જ નહિ મોતની સંખ્યા પણ વધી રહી છે. પાછલા ૭ દિવસમાં રોજ સરેરાશ ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે મોતના મામલે ચીનને પણ પાછળ રાખી દીધુ છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.

(11:14 am IST)