મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

જૂનના પ્રારંભે જ પેટ્રોલ- ડીઝલમાં રૂ. ૫નો વધારો થશે

ઓઈલ કંપનીઓ ભાવ વધારો કરવા સજ્જઃ ફરીથી દૈનિક ભાવ નક્કી કરવાની ફોર્મ્યુલા પણ અમલમાં મુકશેઃ ક્રૂડ મોંઘુ થયુ હોવાનુ આપ્યુ કારણઃ ઓઈલ કંપનીઓની નુકશાનીની ભરપાઈ કરવા માટે ભાવો વધારશેઃ સતત બે સપ્તાહ સુધી રોજ ૫૦ પૈસા ભાવ વધારવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૨૯ :. લોકડાઉનના ગાળામાં થયેલા નુકશાનને ભરપાઈ કરવા માટે ઓઈલ કંપનીઓ જૂનના પ્રારંભથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. ૫નો વધારો કરે તેવી શકયતા છે. આ સિવાય કંપનીઓ આવતા મહિનાથી ભાવમાં રોજેરોજ ફેરફારની વ્યવસ્થા ફરી બહાલ કરવાની તૈયારીમાં છે. કંપનીઓનુ કહેવુ છે કે લોકડાઉનમાં ઓછુ વેચાણ થયુ છે અને સરકારે પણ ટેકસ વધાર્યો છે. જેનાથી કોસ્ટ અને વેચાણમાં ઘણુ અંતર રહી ગયુ છે.

સરકારી ઓઈલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા સપ્તાહે બધી કંપનીઓની એક બેઠક મળી હતી અને તેમા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને લોકડાઉન બાદ ભાવોમાં રોજેરોજ ફેરફાર કરવાની વ્યવસ્થા ફરીથી લાગુ કરવાનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જો લોકડાઉનને પાંચમી વખત વધારવામાં આવે તો પણ સરકાર પાસેથી મંજુરી લઈ આ વ્યવસ્થા લાગુ કરાશે. છેલ્લા બે મહિનામાં ઓઈલ કંપનીઓને વેચાણ નહિ થવાને કારણે નુકશાન થયુ છે.

એક ઓઈલ કંપનીના જણાવ્યા પ્રમાણે ગયા મહિનાના મુકાબલે બ્રિન્ટ ક્રૂડનો ભાવ ૫૦ ટકા વધી ૩૦ ડોલર થઈ ગયો છે. આ સ્થિતિ રહે તો જૂનથી પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવ પર નુકશાન શરૂ થઈ જશે. એવામાં રોજેરોજ ૪૦થી ૫૦ પૈસાનો વધારો કરવો પડશે.

કંપનીઓનું કહેવુ છે કે પેટ્રોલ-ડીઝલમાં પડતર અને વેચાણનું અંતર પહેલા જ ૪ થી ૫ રૂ. પ્રતિ લીટર થઈ ગયુ છે. એવામાં વૈશ્વિક ભાવોને જોતા અને નુકશાન ભરપાઈ કરવા બે સપ્તાહ સુધી ૪૦થી ૫૦ પૈસા રોજ વધારવા પડશે. જો કે અમુક સીમાથી ઉપર ભાવ વધારવાની મંજુરી નહિ અપાય.

લોકડાઉન દરમિયાન ૯૦ ટકા વેચાણ ઘટી ગયુ હતુ. એ દરમિયાન સરકારે પેટ્રોલ પર ૧૦ રૂ. અને ડીઝલ પર ૧૩ રૂ. ડયુટી વધારી હતી. જેનાથી કંપનીઓનો પ્રતિ લીટર નફો ૧૨થી ૧૮ રૂ. ઘટી ૪થી ૫ રૂ. પર આવી ગયો હતો. હવે ક્રૂડ મોંઘુ થવા લાગ્યુ છે તેથી ભાવ વધારવા જરૂરી છે. ૫મી મે પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૧.૨૬ અને ડીઝલનો ભાવ ૬૯.૩૯ રહ્યો છે.

(10:06 am IST)