મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઇ જરૂર નથી, ચીન સાથેનો અમારો સંપર્ક શરૂ: ડોનાલ્ડ ટ્રમ્પની ઓફરને ભારતે નકારી

સમજણ અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારત તમામ પાડોશીઓ માટે હંમેશા ખુલ્લું જ રહ્યું છે

નવી દિલ્હી : ભારત-ચીનની વચ્ચેનાં સીમા વિવાદને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા થવા વાત રજૂ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિની રજૂઆત પર હવે ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોઇ પણ ત્રીજા પક્ષનાં હસ્તક્ષેપની કોઇ જ જરૂર નથી. શાંતિથી આ મુદ્દાને સુલઝાવવા માટે અમે ચીનનાં સંપર્કમાં જ છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઇ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત અને ચીન બંનેને સૂચિત કર્યા છે. જો તેઓ ઇચ્છે તો સીમા વિવાદમાં અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર છે. તમને જણાવી દઇએ કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જારી તણાવને ઓછો કરવા માટે પણ મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ત્યારે ભારતે કહ્યું હતું કે, ‘કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. તેમાં કોઇ ત્રીજાએ દખલગીરી કરવાની જરૂરિયાત નથી.’

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે નેપાળ અને ચીનની સાથે વર્તમાન સંબંધોને લઇને પણ વાત કરી હતી. તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ભારત અને નેપાળનાં ખૂબ જ ઊંડા સંબંધ છે. કોરોના મહામારી દરમ્યાન પણ અમે વગર લાયસન્સનો વેપાર સુનિશ્ચિત કર્યો છે. અમે સીમા મુદ્દા પર નેપાળમાં જે સ્થિતિ છે તેની પર નજર રાખી રહ્યાં છીએ. તેઓએ કહ્યું કે, અંદરોઅંદરની સમજણ અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારત તમામ પાડોશીઓ માટે હંમેશા ખુલ્લું જ રહ્યું છે.

LAC પર ચીન સાથેનાં ગતિરોધ પર તેઓએ કહ્યું કે, અમારા સૈનિકોએ સીમા પ્રબંધન પ્રત્યે ખૂબ જ જવાબદાર વલણ અપનાવ્યું છે. અમારા સૈનિકોએ બંને પક્ષો દ્વારા સ્થાપિત પ્રોટોકોલનું સખ્તાઇથી પાલન કર્યુ છે. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, અમારા સશસ્ત્ર બળ અમારા નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલા માર્ગદર્શનનું ઇમાનદારીથી પાલન કરે છે. આ સાથે જ અમે પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરશે.

(12:00 am IST)