મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

વાહનોમાં હાઇ સિકયુરીટી નંબર પ્લેટ હવે ૩૧મી ઓગસ્ટ સુધી લગાડાશે

અનેક શહેરોમાં વાહનોની નંબર પ્લેટ લગાવાનું બાકી હોવાથી મુદતમાં વધારો

નવી દિલ્હી, તા.૨૯: HSRP લગાવવાની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૧મી ઓગસ્ટ, ૨૦૧૯ સુધીમાં વાહનોમાં HSRP લગાવવી ફરજીયાત છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે.

રાજયમાં ૧૬ નવેમ્બર, ૨૦૧૨થી હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.

રાજયના જૂના વાહનોમાં હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.૩૧/૦૫/૨૦૧૯ જાહેર કરવામાં આવી હતી. જોકે, હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા દ્યસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તારીખ ૩૧ ઓગષ્ટ ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.

આ તારીખ સુધીમાં જનતાએ વાહનો પર હાઇ સિકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત બાદ એટલે કે પહેલી સપ્ટેમ્બર ૨૦૧૯થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર તરફથી જણાવવામાં આવ્યું છે.આ પહેલા એવી આશંકા વ્યકત કરવામાં આવી હતી કે સાત વખત સમય મર્યાદામાં વધારો કરાયા બાદ સરકાર તરફથી કદાચ મુદતમાં વધારો કરવામાં ન આવે. જોકે, અમદાવાદ અને શહેરમાં અનેક વાહનમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી મુદતમાં ફરી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:47 pm IST)