મુખ્ય સમાચાર
News of Tuesday, 29th May 2018

શ્રી રામ કથા માનવ બનવાની ફોર્મ્યુલા બતાવે છેઃ પૂ. મોરારીબાપુ

હરિયાણાનાં ફરીદાબાદમાં આયોજિત''માનસ યુગધર્મ'' શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૨૯: ''શ્રીરામ કથા માનવ બનવાની ફોર્મ્યુલા બતાવે છે'' તેમ પૂ. મોરારીબાપુ એ હરિયાણાના ફરીદાબાદમાં આયોજીત ''માનસ યુગધર્મ'' શ્રી રામ કથાના ચોથા દિવસે કહયું હતું.

ગઇકાલે શ્રી રામકથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહયું કે, તમે જુઓ, પાણી હંમેશા પરિવર્તિત થાય, રૂપાંતરીત નથી થતું. પાણી બરફમાં પરિવર્તિત થાય, બરફ ફરીથી પાણીમાં પરિવર્તિત થાય. પાણી કયારેય દૂધ નથી થતું, જો દૂધ થાય તો એને રૂપાંતરણ કહેવાય. દૂધ રૂપાંતરીત થાય છે. ગાયના આઉમાં ટાંચણી ભરાવો તો લોહી જ નીકળશે, એને દોહીએ ત્યારે દૂધ નીકળે છે. એ રીતે ગાય જયારે દુધ આપે છે ત્યારે તમારા બોઘેણામાં આખી ગાય આવે છે. શ્વેત દુધ લાલ નહીં થાય. દૂધમાંથી દહીં થશે પણ દહીંમાંથી ફરી દુધ નહી બને. દહીંને મથશો એટલે છાશ થશે. દહીંનું રૂપાંતર થયું પણ છાશ કદી ફરી દહિં નહીં બને! દહીંને મથો એટલે માખણ થશે, માખણથી ઘી અને એ ધી દિવામાં પુરીશુ એનાથી જયોત પ્રગટશે. જયોતમાંથી પાછું ઘી નહી થાય! આમ, રૂપાંતરણની પ્રક્રિયામાં એક વખત ગાયના આંચળથી નીકળેલું દૂધ રૂપાંતરિત થતા-થતા જયોત સુધી એટલે કે પ્રકાશ સુધી પહોંચે છે. જયોત એટલે જ્ઞાન-જાગૃતિ સાહેબ, કથા આત્મા માગે છે. શાસ્ત્ર સ્વયં ઇચ્છે છે કે મને કોઇ સાંભળે, ઘણાં સમયથી પડેલી વિણા ઝંકાર ઇચ્છે છે, ગ્લાસમાં રહેલું પાણીકોઇ તરસ્યાના હોઠ ઝંખે છે. વ્યભિચારિણી ભકિતમાં ચોક્કસ થોડુંક પરિવર્તન આવી રહયું છે. પણ રૂપાંતરણ બાકી છે. કથાથી પરિવર્તન થઇ રહયું છે પણ મને દ્રઢ વિશ્વાસ છેકે, રૂપાંતરણ થશે, થશે, થશેજ તલગાજરડા રૂપાંતર ચાહે છે.

બોતેર વર્ષમાં બાવીસ હજાર વર્ષ જેટલું કામ કર્યુ છે. એટલે કહુ છુ કે રૂપાંતરણ થશે જ. હું હંમેશા કહયા કરું છું, દસમો ભાગ કાઢવો. એક મહિનાના ત્રીસ દિવસ, એનો દસમો ભાગ ત્રણ દિવસ થાય ને, પણ હું અઢાર દિવસ રામકથા કરુ છું.

સાવરકુંડલાના ગુણવંત બાપુએ ભગવદ ગોમંડલ શબ્દકોશમાં 'યુગ' શબ્દના અર્થો વ્યાસપીઠને મોકલ્યા હતા. એ મુજબ યુગ એટલે અવતાર, જીંદગી, ભવ-સંસાર, બે, યુગ્મ, જોડુ, યુગલ, છાંડવું-ત્યાગવું, અહિંસા, જૈન પરંપરા અનુસાર યુગ એટલે આત્માનો સ્વભાગ, ઇમાન, પ્રામાણિકતા, શ્રધ્ધા, પ્રકૃતિ લક્ષણ, સ્વભાવ, ધ્યાનનો એક પ્રકાર છે.

(4:30 pm IST)