મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

ભારતની હવે કેટલાક દેશોથી રેમડેસિવિયર મગાવવા તૈયારી

દેશમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાથી ચિંતા વધી : રેમડેસિવિયરની ખૂબ જ મોટી ડિમાન્ડને પરિણામે કેન્દ્ર સરકારે તેની આયાત પર ઈમ્પોર્ટ ડ્યૂટી માફ કરી દીધી

નવી દિલ્હી, તા. ૨૯ : દેશભરમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે રેમડેસિવિયર ઈન્જેક્શનોની પણ જોરદાર તંગી ઉભી થઈ છે. ત્યારે સરકારે હવે ઈન્જેક્શન વિદેશોમાંથી મગાવવાના પ્રયાસો શરુ કરી દીધા છે. અમેરિકન ફાર્મા કંપની જિલીડ સાયન્સિસ ભારતને રેમડેસિવિયરના .૫૦ લાખ ડોઝ આપવા તૈયાર થઈ ગઈ છે. ઉપરાંત, ઈજિપ્ત, ઉઝબેકિસ્તાન, યુએઈ અને બાંગ્લાદેશમાંથી પણ રેમડેસિવિયર મગાવવાની તૈયારી કરાઈ રહી છે.

રેમડેસિવિયરની ખૂબ મોટી ડિમાન્ડને કારણે સરકારે તેની આયાત પર ઈમ્પોર્ટ ડ્યૂટી માફ કરી દીધી છે. ઉપરાંત, ઈન્જેક્શન બનાવવા વપરાતા કાચા માલની આયાતને પણ સરળ બનાવાઈ છે. અમેરિકન કંપની ભારતને તેનો જથ્થો પૂરો પાડવાની સાથે તેને બનાવવા માટેનો કાચો માલ પણ મોકલી રહી છે. અમેરિકાથી ઓક્સિજન રિલેટેડ ઈક્વિપમેન્ટ્સનો જથ્થો પણ શુક્રવાર સુધીમાં ભારત આવી પહોંચે તેવી શક્યતા છે.

સિવાય સ્વિટઝર્લેન્ડ જેવા દેશ પણ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ અને મેડિકલ ઈક્વિપમેન્ટ સ્વરુપે મદદ મોકલી રહ્યા છે, જેનું ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી વિતરણ કરવામાં આવશે. અમેરિકા સ્થિત યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ પણ ઓક્સિજન મોકલવાનું આયોજન કરી રહી છે. તેના દ્વારા એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ મોકલવામાં આવશે, જેને ઘર અથવા હોસ્પિટલોમાં ઉપયોગમાં લઈ શકાશે.

હજુ ગઈકાલે સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, જે દર્દીઓ ઓક્સિજન પર હોય તેમને રેમડેસિવિયર આપવામાં આવશે. જોકે, કોર્ટે સરકારની સખ્ત ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, સરકારનું વલણ એવું લાગે છે કે જાણે લોકો મરતા હોય તો મરવા દો. કોર્ટે કહ્યું હતું કે સરકાર ઈન્જેક્શનની તંગીને ઓછી કરવાના હેતુથી પ્રોટોકોલમાં પરિવર્તન ના કરી શકે. સરકારના પગલાંને કોર્ટે કમ્પિલટ મિસમેનેજમેન્ટ પણ ગણાવ્યું હતું.

દેશભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાથી હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે લગભગ તમામ રાજ્યો રેમડેસિવિયરની તંગીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં યુપી અને બિહાર જેવા રાજ્યોએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગુજરાતથી રેમડેસિવિયરનો મોટો જથ્થો મગાવ્યો હતો. ખાસ કરીને પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત રેમડેસિવિયર વિના કફોડી થઈ રહી છે. કારણકે, ડૉક્ટર્સ ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કામ દર્દીના પરિચિતો પર છોડી રહ્યા છે.

(7:57 pm IST)