મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

મહારાષ્ટ્રના પોલીસવડાને એક ૧૪ પાનાનો પત્ર લખી ફરીયાદ નોંધાવી

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની મુશ્કેલીમાં વધારો

મુંબઇ,તા. ૨૯: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને પહેલીથી જ તપાસ ચાલી રહી છે તેવામાં એક વધુ પોલીસ ઈન્સ્પેકટરે પરમબીર સિંહ સામે ગંભીર આરોપો કરી મહારાષ્ટ્રના પોલીસવડાને એક ૧૪ પાનાનો પત્ર લખી ફરિયાદ નોંધાવી છે.

આ સંદર્ભે પોલીસ ઈન્સ્પેકટર ભીમરાજ ઉર્ફે ભીમરાવ ઘાડગેએ પત્રમાં આરોપ કર્યો છે કે પરમબીર સિંહ ૧૭ માર્ચ ૨૦૧૫થી ૩૧ જુલાઈ ૨૦૧૯ દરમ્યાન થાણેના પોલીસ કમિશનર પદે કાર્યરત હતા. આ સમયે દ્યાડગે કલ્યાણના બાજારપેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સમયે પરમબીર સિંહે ઘાડગે પર અમીરોને છોડાવવા દબાણ કર્યું હતું. તેમણે આ વાત ન માનતા શિક્ષારૂપે તેમને અનેક ગુનાઓમાં સંડોવવામાં આવ્યા હતા અને પરમબીર સિંહે તેમની અડચણ વધારી હતી. હાલ ઘાડગે અકોલાના કન્ટ્રોલ રૂમમાં સિનિયર પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પત્રમાં ઘાડગેએ એવો ગંભીર આરોપ પણ કર્યો છે કે પરમબીર સિંહ દિવાળીમાં ભેટ તરીકે દરેક ઝોનના ડીસીપી પાસેથી ૪૦ તોલાના સોનાના બિસ્કિટ, એસીપી પાસેથી ૨૦થી ૩૦ તોલાના અને સિનિયર ઈન્સ્પેકટરો પાસેથી ૩૦થી ૪૦ તોલાના સોનાના બિસ્કિટ સ્વિકાર્યા છે. ઘાડગેએ આ ઉપરાંત ઘણા ગંભીર આરોપો કર્યા છે જેમાં સિંહે તેમના પત્નીને નામે એક કંપની ખોલી છે. જેની ઓફિસ લોઅર પરેલમાં છે. આ ઉપરાંત એક કંપનીમાં તેમણે ૫૦૦ કરોડ રૂપિયા રોકયા છે. તદુપરાંત તેઓ થાણેના કમિશનર હતા ત્યારે તેમના સરકારી વાહનનો દુરૂપયોગ તેમના પત્ની કરતા હતા.

આ ઉપરાંત થાણેના કમિશનર હતા ત્યારે તમામ પોલીસ સ્ટેશનની હદમાંથી અવૈદ્ય ધંધાવાળાઓ તરફથી દર મહિને કરોડો રૂપિયા તેમના હસ્તક મારફતે મેળવતા હતા. આ ઉપરાંત બિલ્ડરના કામોનું કરોડો રૂપિયા લઈ સેટલમેન્ટ કરવામાં આવતું.

આ રીતે વિવિધ ઘણા આરોપો કરી પરમબીર સિંહ ગળાડૂબ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું જણાવી મહારાષ્ટ્રના પોલીસ વડાને ૧૪ પાનાનો પત્ર લખી ફરિયાદ કરી હતી.

(3:51 pm IST)