મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કોરોના સામે લડવા કેનેડાએ આપી ભારતને 1 કરોડ ડોલરની સહાય

ન્યૂઝીલેન્ડે પણ આ મહામારી સામે ૧૦ લાખ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી

ઓટાવા: ભારતમાં ચાલી રહેલી કોરોનાના પ્રકોપ સામે રક્ષણ મેળ‌વવા માટે વિદેશમાંથી પણ મદદની સરવાણી વહી રહી છે. કેનેડાએ આ મહામારીની બીજી લહેર સામે લડવા માટે એક કરોડ ડોલર (આશરે ~ 60 કરોડ) ભારતને આપવા હાકલ કરી છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડે પણ આ મહામારી સામે ૧૦ લાખ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડુએ એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે વિદેશ મંત્રી માર્ક ગાર્નેુએ ભારતના તેમના સમકક્ષ એસ જયશંકર સાથે વાત કરી હતી કે કેનેડા તેને કેવીરીતે સારીરીતે મદદ કરી શકે છે. જેમાં વધારાના મેડિકલ પૂરવઠાના ડોનેશનની પણ જરૂરનો સમાવેશ થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે 'અમે કેનેડિયન રેડ ક્રોસ થકી ઇન્ડિયન રેડ ક્રોસને એક કરોડ ડોલર આપવા તૈયાર છીએ. આ નાણાં એમ્બ્યુલન્સ સર્વિસને વધુ મજબૂત કરવા ઉપરાંત વધુ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટને સ્થાનિક સ્તરે ખરીદવા પાછળ વપરાશે. એક વિશ્વ તરીકે અમે આ લડાઇમાં એકસાથે છીએ.' બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની ચર્ચા અંગે તેમણે ઉમેર્યું હતું કે આપણે શક્ય તમામ રીતે ટેકો આપીશું. કેનેડાના લોકો આ મામલે અત્યંત ચિંતિત છીએ કેમ કે ભારતમાંથી અત્યંત ખોફનાક અને દર્દનાક તસ્વીરો આવી રહી છે.

'અમે જાણીએ છીએ કે અમારા મિત્રોને અમારી જરૂર છે. ખરેખર અમે વિશ્વભરમાં ગમે તેમના માટે હાજર છીએ' તેમ ટ્રૂડુએ કહ્યું હતું. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી ગાર્નેયુએ ટ્વિટર પર કહ્યું હતું કે તેમણે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે એસ જયશંકર સાથે ચર્ચા કરી હતી અને ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.

(12:06 pm IST)