મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

છત્તીસગઢમાં લોકડાઉનના કારણે વરરાજા એકલો જ લગ્ન કરવા બાઇક પર નીકળી પડ્યો

પોલીસે કહ્યુ હતુ કે પાંચ લોકોને તો સાથે લાવવા હતા, અમે જવાની મંજૂરી આપીશું

બલરામપુર,તા.૨૯: કોરોના વાયરસના કહેરના કારણે છત્ત્।ીસગઢમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં લગ્નમાં મહેમાનોની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં બલરામપુર જિલ્લાનો એક વિડીયો વાઈરલ થયો છે. વાઈરલ વિડીયોમાં પોતાની નવવધૂને લેવા માટે વરરાજા એકલો જ બાઈક પર જાય છે. વરરાજા ઝારખંડનો રહેવાસી છે. બાઈક પર વરરાજાને એકલો જોઈને બોર્ડર પર હાજર પોલીસકર્મીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.

હકિકતમાં યુવકના લગ્ન બલરામપુર રામાનુજગંજ જિલ્લાના સનાવલમાં થવાના હતા. બધુ જ નક્કી હતું પરંતુ લોકડાઉનના કારણે લોકોનું આવવાનું શકય ન હતું. તેવામાં વરરાજા એકલા જ તૈયાર થઈને પોતાની બાઈક પર પોતાની થનારી પત્નીને લેવા માટે જતા રહ્યા હતા. રામાનુજગંજની બોર્ડર પર પોલીસ ટીમે એકલા વરરાજાને જોયા તો તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા.

પોલીસકર્મીઓએ વરરાજાને રોકીને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. હિંદી રિતરિવાજ પ્રમાણે લગ્નમાં ઓછામાં ઓછા પાંચ લોકો તો હોવા જ જોઈએ પરંતુ અહીં વરરાજા એકલા જ હતા. પોલીસકર્મીઓએ કહ્યું હતું કે તમે પાંચ લોકોને તો બોલાવી લાવો અમે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મંજૂરી અપાવી દઈશું. જોકે, વરરાજા માન્યો ન હતો. તેને લાગ્યું કે પાંચ લોકોના ચક્કરમાં તેનાા લગ્ન તૂટી ન જાય. તેણે પોલીસકર્મીઓને મનાવી લીધા હતા અને એકલો જ લગ્ન કરવા ઉપડી ગયો હતો.

વરરાજાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાઈરલ થયો છે. વાઈરલ વિડીયોમાં પોલીસકર્મીઓ તેને સમજવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે કોરોનાના કારણે ગામના લોકો પણ તેની જાનમાં આવવા તૈયાર ન હતા. પોલીસકર્મીઓ વરરાજાને સમજાવી રહ્યા હતા ત્યારે કોઈએ તેનો વિડીયો બનાવી લીધો હતો.

(10:32 am IST)