મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

લોકો મૂર્ખ છે તેવું સમજતી સરકાર વિરૂધ્ધ લોકોએ બળવો કરવો જોઈએ : ચિદમ્બરમ

કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે દેશમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હી,તા.૨૯: : દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના એક નિવેદનને લઈને તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને મંત્રી પદેથી હટાવી દેવા જોઈએ. જયારે પાર્ટીના અનુભવી નેતા પી ચિદમ્બરમે તે પણ કહ્યું છે કે ભારતના તમામ લોકોને મૂર્ખ સમજી રહેલી સરકાર વિરુદ્ઘ લોકોએ બળવો કરી દેવો જોઈએ. જયારે પાર્ટીના પ્રવકતા સુપ્રિય શ્રીનેતે હર્ષવર્ધનને હટાવી દેવાની માંગ કરી છે.

ચિદમ્બરમે ટ્વિટ કરી છે કે, હું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના તે નિવેદનથી ઘણો આક્રોશમાં છું કે ઓકિસજન, વેકસીન અને રેમડિસિવિરની કોઈ તંગી નથી. હું ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તે નિવેદનથી પણ આક્રોશમાં છું કે પ્રદેશમાં વેકસીનની કોઈ તંગી નથી.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે શું ટીવી ચેનલો પર ચાલી રહેલા તમામ વિઝયુઅલ્સ, અખબારોના સમાચાર ખોટા છે? શું ડોકટરો ખોટું બોલી રહ્યા છે, શું દર્દીઓના પરિજનો ખોટું બોલી રહ્યા છે? શું તમામ વિડીયો અને તસ્વીરો ખોટી છે? ચિદમ્બરમે જણાવ્યું હતું કે, જનતાએ તે સરકાર વિરુદ્ઘ બળવો કરવો જોઈએ જે તે માનીને ચાલી રહી છે કે ભારતના તમામ લોકો મૂર્ખ છે.

બીજી તરફ કોંગ્રેસ પ્રવકતા સુપ્રિયા શ્રીનેતે પણ ડોકટર હર્ષવર્ધન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, હોસ્પિટલોમાં સારવાર મળી રહી નથી. ઓકિસજનની તંગી પણ છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા બચી નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં સ્વાસ્થ્ય મંત્રી કહે છે કે આ વર્ષે ગત વર્ષ કરતા વધારે સારી છે. તેમણે આરોપ લગાવ્યો કે, એવું લાગે છે કે તેઓ માનવતાનો મૂળધર્મ ભૂલી ચૂકયા છે. સત્ત્।ાના અહંકારમાં એટલા ચૂર થઈ ગયા છે કે તેઓ લોકોની વેદના પણ ભૂલી ગયા છે.

તેમણે કહ્યું હતું કે, હર્ષવર્ધનની અંદર નૈતિકતા નથી અને તેથી તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમને તાત્કાલિક પદેથી હાંકી કાઢી દેવા જોઈએ. નોંધનીય છે કે હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું હતું કે, ૨૦૨૧મા દેશ ગત વર્ષની તુલનાએ કોરોનાના રોગચાળાને હરાવવા માટે વધારે અનુભવની સાથે માનસિક અને ભૌતિક રીતે વધારે સારી રીતે તૈયાર છે.

(10:30 am IST)