મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કેનેડાની એમ્બ્યુલન્સ, પીપીઈ કીટ સહિતની વસ્તુ માટે ભારતને મદદ

ભારતની મદદ માટે આગળ આવતા વિવિધ દેશ : ૬૦ કરોડની આ રકમ કેનેડાની રેડ ક્રોસ સોસાયટી થકી ભારતની રેડ ક્રોસ સોસાયટીને મોકલાશે : ટ્રુડોની જાહેરાત

નવી દિલ્હી, તા. ૨૮ : કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને મદદ કરવા માટે દુનિયાના વિવિધ દેશો આગળ આવી રહ્યા છે.જેમાં હવે કેનેડાનો પણ ઉમેરો થયો છે.

કેનેડાએ ભારતને ૬૦ કરોડ રુપિયાની મદદ કરવાનુ એલાન કર્યુ છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ હતુ કે, આ નાણાકીય મદદમાંથી ભારતને એમ્બ્યુલન્સ, પીપીઈ કિટ અને બીજા જરુરી સામાન ખરીદવામાં મદદ મળશે.આ રકમ કેનેડાની રેડ ક્રોસ સોસાયટી થકી ભારતની રેડ ક્રોસ સોસાયટીને મોકલવામાં આવશે.

ટ્રૂડોએ કહ્યુ હતુ કે, ભારતમાં જે પ્રકારની સ્થિતિ છે તેનાથી કેનેડાના નાગરિકો ચિંતિત છે.અમને ખબર છે કે ત્યાં અમારા મિત્રો છે અને તેમને મદદ કરવાની છે.આ માટે ભારત સાથે સતત વાતચીત ચાલુ જ છે.કેનેડાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાઓ પણ મોકલવાની તૈયારી થઈ રહી છે.

ભારતમાં ખેડૂત આંદોલન ટાણે બંને દેશો વચ્ચે સબંધો વણસ્યા હતા.જોકે એ પછી પણ ભારતે કેનેડાને કોરોનાની રસી પૂરી પાડી હતી.દરમિયાન ભારતના વિદેશ મંત્રી અને કેનેડાના વિદેશ મંત્રી વચ્ચે પણ કોરોનાની મહામારીમાં બંને દેશો વચ્ચેના સહકારને લઈને મંત્રણા થઈ છે.

(12:00 am IST)