મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

મિત્ર હોય તો આવો

મિત્ર માટે ૧,૪૦૦ કિમી કાર ચલાવીને ઓકિસજન લઈને પહોંચ્યો

ઝારખંડનો શિક્ષક યુવાન નોઇડામાં રહેતા તેના કોરોના સંક્રમિત મિત્ર માટે ઓકિસજનનો સિલિન્ડર લઈને પહોંચ્યો હતો

નોઇડા, તા.૨૯: સંકટ સમયે કામ આવે એ જ સાચો મિત્ર. ઝારખંડના એક વ્યકિતએ મિત્રતાની અનોખી મિશાલ રજૂ કરી છે. આજકાલ દેશમાં કોરોના વાયરસે કાળોકેર વર્તાવ્યો છે. સોશિયલ મીડિયા ખોલતાની સાથે જ શ્રદ્ઘાંજલિના સંદેશ જોવા મળે છે. હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. ઓકિસજન ખૂટી પડ્યો છે. લોકો ઇન્જેકશન અને દાખલ થવા માટે લાઇનો લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે જો કોઈ પોઝિટિવ ન્યૂઝ સાંભળવા મળે તો ખૂબ ખુશી થાય છે. આ કહાની એક એવા વ્યકિતની છે, જે પોતાના એક મિત્રનો જીવ બચાવવા માટે ૧,૪૦૦ કિલોમીટર કાર ડ્રાઇવર કરીને ઓકિસજન સિલિન્ડર લઈને પહોંચ્યો હતો.

ઝારખંડના બોકારોનો ૩૮ વર્ષીય યુવક પોતાની કાર ડ્રાઇવ કરીને ૨૪ કલાકમાં દિલ્હીથી જોડાયેલા નોઇડા ખાતે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ રાજયમાંથી પસાર થવું પડ્યું હતું. યુવક પોતાની કારમાં ઓકિસજન સિલિન્ડર લઈને ગયો હતો. વ્યકિતના મિત્રને ઉત્તર પ્રદેશના નોઇડામાં ઓકિસજન સિલિન્ડર મળી રહ્યા ન હતા.

આ વાત જાણ્યા બાદ વ્યવસાયે સ્કૂલ શિક્ષક એવા દેવેન્દ્રએ પોતાની કારમાં સિલિન્ડર મૂકયો હતો અને રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યે મુસાફરીની શરૂઆત કરી હતી. દેવેન્દ્રને માલુમ પડ્યું હતું કે તેના મિત્ર રાજન અગ્રવાલ કે જે દિલ્હીની એક આઈટી કંપનીમાં કામ કરે છે તેને ઓકિસજન સપોર્ટ નથી મળી રહ્યો. જે બાદમાં તેણે ઓકિસજન સિલિન્ડર સાથે નોઇડા પહોંચવાનું નક્કી કર્યું હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, બોકારો સ્ટીલ સિટી હોવા છતાં અહીં ઓકિસજન સિલિન્ડર મેળવવો સરળ કામ ન હતું. તેણે આ માટે ઓકિસજન વિક્રેતાઓ અને વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી હતી. તમામ લોકો ઓકિસજન સિલિન્ડર આપવા માટે તૈયાર હતા પરંતુ શરત એટલી હતી કે દેવેન્દ્રએ જાતે રિફિલ કરાવવો પડશે. તમામ પ્રયાસો બાદ ઝારખંડ સ્ટીલ ઓકિસજન પ્લાન્ટનો એક ટેકિનશિયન સુરક્ષા ડિપોઝિટ સામે તેને ઓકિસજન ભરેલી બોટલ આપવા માટે તૈયાર થઈ ગયો હતો.

દેવેન્દ્રનું કહેવું છે કે તેણે ઓકિસજન સાથેના સિલિન્ડર માટે ૧૦,૪૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદમાં તેણે ઝારખંડથી દિલ્હી માટેની પોતાની મુસાફરીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેને બે વખત પોલીસે અટકાવ્યો હતો. એક વખત બિહાર અને બીજી વખત ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરતી વખતે.

જોકે, યુવકે સાચી વાત રજૂ કરતા તેને જવા દેવામાં આવ્યો હતો. તે સોમવારે બપોર પછી નોઇડા પહોંચ્યો હતો. ઓકિસજનની મદદથી તેનો મિત્રો ગંભીર સ્થિતિમાંથી બહાર આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં દેવેન્દ્રએ જણાવ્યું હતું કે, મારા મિત્રની હાલત હવે સ્થિર છે. જયાં સુધી તે સંપૂર્ણ સાજો નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.

(10:25 am IST)