મુખ્ય સમાચાર
News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા : પીડિતોને વળતર ચૂકવવા ઝડપી ચકાસણી કરાશે :કેજરીવાલે કહ્યું - એમ જ દરેકને પૈસા નહીં આપીએ

ભોગ બનેલા લોકોનું ડોર ટુ ડોર જઇ નિરીક્ષણ કરી, વળતર ચૂકવવા માટે મંજૂરી આપશે

નવી દિલ્હી : દિલ્હી સરકારે ઉત્તર પૂર્વ દિલ્હીના હુલ્લડ પીડિતોને મદદ કરવા માટે એક અન્ય મોટા પગલાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 4 પેટા વિભાગ છે. સામાન્ય રીતે અહીં 4 એસડીએમ હતા, પરંતુ હવે અમે અહીં 18 એસડીએમની નિમણૂક કરી છે. તેઓ જાહેરમાં જઈ રહ્યા છે અને લોકો સાથે વાત કરી રહ્યા છે. અમે હિંસાથી પ્રભાવિત લોકોમાં મોટા પાયે ખોરાક વહેંચી રહ્યા છીએ.

  કેજરીવાલે જણાવ્યું હતું કે, વળતરની વહેંચણી માટે એસડીએમ જલ્દીથી રમખાણોનો ભોગ બનેલા લોકોનું ડોર ટુ ડોર જઇ નિરીક્ષણ કરી, વળતર ચૂકવવા માટે મંજૂરી આપશે. તેમણે કહ્યું કે તપાસ વિના દરેકને આવી રીતે એમ જ પૈસા આપી શકાતા નથી. 25 હજાર રૂપિયા વહેલી તકે આપવા માટે અમે એનજીઓની મદદ લઈ રહ્યા છીએ અને અખબારો દ્વારા ફોર્મ પણ મોકલવામાં આવશે.

   તેમણે કહ્યું કે, જેમનું ઘર સંપૂર્ણ રીતે બળી ગયું છે તેઓ સંપૂર્ણ વિગતો આપશે. અમે આ માટે કોઈ દસ્તાવેજ માંગતા નથી. કોઈ પણ વ્યક્તિ ઉત્તર-પૂર્વ જિલ્લામાં જઈને ફોર્મ આપી શકે છે. વહેલી તકે અમે સવારે આવતા ફોર્મની ચકાસણી કરીને 25 હજાર રૂપિયા આપવાનો પ્રયત્ન કરીશું. બે-ત્રણ દિવસમાં, વળતર આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે ખૂબ ગંભીર હાલતવાળા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જો જનતાને કોઈ સૂચન હોય તો તે આવકાર્ય છે.

(12:40 am IST)