મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

પાકિસ્તાનમાં પબજીની લત ધરાવતા ૧૪ વર્ષીય છોકરાએ મા, બહેન-ભાઈ સહિત ચારની ગોળી મારીને હત્યા કરી નાખી

આખરે પબજીની વચ્ચે આવતા પરિવારની હત્યાનું ષડયંત્ર છોકરાએ રચ્યું હતું

પાકિસ્તાનના લાહોરમાં પબજી ગેઈમ્સની લતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પબજીની લત ધરાવતા ૧૪ વર્ષના છોકરાએ મા, બહેન-ભાઈ સહિત ચારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

લાહોર પોલીસના જણાવ્યા પ્રમાણે ૪૫ વર્ષની હેલ્થ વર્કર નાહિદ મુબારક તેના ૧૪ વર્ષના દીકરાને પબજીની લત છોડવા સમજાવતી હતી. વારંવાર માતા, મોટોભાઈ અને બહેન ૧૪ વર્ષના છોકરાને પબજી ન રમવા સમજાવતા હતા.

છેલ્લા એક વર્ષથી એ મુદ્દે છોકરાને માતા, બહેન અને ભાઈ સાથે ઝઘડો થતો હતો.
આખરે પબજીની વચ્ચે આવતા પરિવારની હત્યાનું ષડયંત્ર છોકરાએ રચ્યું હતું. એક વર્ષ સુધી ષડયંત્ર ઘડયા પછી છોકરાએ મા નાહીર મુબારક, ૧૬ વર્ષની બહેન મહનૂર, ૮ વર્ષની ફાતિમા અને ૨૧ વર્ષના ભાઈ તૈમુરની ગોળી ધરબીને હત્યા કરી નાખી હતી.
છોકરાએ એક પછી એક એવી રીતે હત્યા કરી હતી કે તેને સ્હેજ પણ ઈજા થઈ હતી. તેની પૂછપરછમાં જે બાબતો સામે આવી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પબજીની લતના કારણે છોકરાએ આખા પરિવારને મારી નાખ્યો હતો. પોલીસે આરોપી કિશોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 am IST)