મુખ્ય સમાચાર
News of Monday, 29th January 2018

જમ્મુ-કાશ્મીરઃ બે નાગરિકોના મોત બાદ આર્મી મેજર સામે ફરિયાદ

પીડીપી - BJP સરકારના નિર્દેશ પર નોંધાઇ ફરિયાદ

જમ્મુ તા. ૨૯ : જમ્મુ-કાશ્મીરમાં ગનોપોરા શોપિંયાંમાં શનિવારે થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થઈ ગયા હતા. આ મામલે કાશ્મીર પોલીસે ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્યની સામે હત્યા અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, પીડીપી-ભારતીય જનતા પાર્ટીની સરકારના નિર્દેશ પર આ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે, કાશ્મીરમાં આર્મી માનવાધિકારોનું પુરું ધ્યાન રાખે છે.

ઉલ્લેખનીય છે કે, ગનોપોરા શોપિયાંમાં શનિવારે થયેલા ફાયરિંગમાં બે નાગરિકોનાં મોત થયા હતા અને ૮ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ મામલે ગઢવાલ રાઈફલ્સના મેજરને આરોપી દર્શાવી કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયા બાદ જુલાઈ ૧૯૯૦માં સશસ્ત્ર દળને ખાસ સત્ત્।ા આપવામાં આવી હતી. જોકે, રાજયના લદ્દાખ વિસ્તારને આ કાયદાથી અલગ રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સશસ્ત્ર દળ વિશેષાધિકાર કાયદો (AFSPA) ભારતીય સંસદ દ્વારા ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૮માં પસાર કરાયો હતો. તે અંતર્ગત અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડના 'અશાંત વિસ્તારો'માં તૈનાત સૈન્યને શરૂઆતમાં આ કાયદા અંતર્ગત વિશેષ અધિકારો મળેલા હતા.

જનરલ રાવતે અરૂણાચલ પ્રદેશમાંથી AFSPAની કેટલીક જોગવાઈ હટાવવાના સવાલ પર રવિવારે કહ્યું કે, તેનો હજુ સુધી સમય નથી આવ્યો. તેમણે કહ્યું કે, આર્મી જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ રાજયમાં માનવાધિકારનું પૂરતું ધ્યાન રાખે છે.(૨૧.૨૦)

(9:47 am IST)