મુખ્ય સમાચાર
News of Monday, 28th December 2020

આજે કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસઃ પણ રાહુલ વિદેશમાં

૨૮ ડિસેમ્બર ૧૮૮૫માં એલન ઓકટેવિયન હ્યૂમ નામના અંગ્રેજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલીઃ ઈટાલીના પ્રવાસે ગયાની ભારે ચર્ચાઃ કોંગ્રેસના મુખ્ય મથકે ધ્વજ લહેરાવાશે

નવીદિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશની ટૂંકી મુલાકાત માટે રવાના થયા હતા. કોંગ્રેસ પાર્ટીએ આ માહિતી આપી. જોકે, કોંગ્રેસે આ અંગે ખુલાસો કર્યો નથી કે રાહુલ ગાંધી કયાં ગયા છે. પરંતુ પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પુષ્ટિ આપી હતી કે તે થોડા દિવસો માટે બહાર રહેશે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંકી વ્યકિતગત મુલાકાત માટે રવાના થયા છે અને તેઓ થોડા દિવસો માટે બહાર રહેશે. કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ કયાં ગયા છે તેવો સવાલ પૂછતાં સુરજેવાલાએ કોઈ ખુલાસો કર્યો ન હતો.

પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી હાલમાં અમુક દિવસોના ઇટલી પ્રવાસ પર ગયા છે, નોંધનીય છે કે આજે જ કોંગ્રેસ નો સ્થાપના દિવસ છે અને આ કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસ છે જેની ઉજવણી થતી હોય છે, આવા સમયે રાહુલ ગાંધીનું વિદેશ પ્રવાસે જવું એ લોકોમાં ચર્ચા ફેલાવનારી બાબત બની રહી છે. મહત્વનું છે કે આજથી ૧૩૬ વર્ષ પહેલા ૨૮ ડિસેમ્બર ૧૮૮૫માં એલન ઓકટેવિયન હ્યૂમ નામના અંગ્રેજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના કરી હતી.

મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી કાલે સવારે કતાર એરવેઝની ફ્લાઇટમાં ઇટલીના મિલાન જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીની નાની ઇટાલીમાં રહે છે અને તે અગાઉ તેણીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના વિદેશ જવાના બીજા દિવસે આજે કોંગ્રેસનો ૧૩૬ મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક પર પાર્ટી ધ્વજ લહેરાવવામાં આવશે.

(12:48 pm IST)