પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મળતા સૌરવ ગાંગુલી : રાજનીતિમાં જોડાવાની અટકળો શરૂ
ગાંગુલી અને ધનખડ વચ્ચે આ મુલાકાત આશરે એક કલાક ચાલી
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ દિવસોમાં ખુબ હલચલ થઈ રહી છે. મમતા બેનર્જી અને ભાજપ (BJP)ના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી છે. ગાંગુલી અને ધનખડની મુલાકાત બાદ ભવિષ્યને લઈને અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે.
સૌરવ ગાંગુલી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની મુલાકાત પર રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, આ 'સૌજન્ય મુલાકાત' હતી અને તેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. ગાંગુલી રવિવારે સાંજે આશરે 4 કલાક 40 મિનિટ પર રાજભવન પહોંચ્યા અને તેમણે મુલાકાતના કારણોને લઈને કોઈ સવાલનો જવાબ આપ્યો નથી. ગાંગુલી અને ધનખડ વચ્ચે આ મુલાકાત આશરે એક કલાક ચાલી હતી.