મુખ્ય સમાચાર
News of Wednesday, 14th November 2018

દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું સેન્ટર એક રહ્યું છે

અમેરિકી ઉપપ્રમુખ સાથે વાતચીતમાં મોદીનો દાવો : સિંગાપોરમાં અમેરિકી ઉપપ્રમુખ માઇક પેન્સ સાથે ચર્ચા

સિંગાપોર, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાને કહ્યું હતું કે, દુનિયામાં કોઇપણ જગ્યાએ આતંકવાદી હુમલા થાય છે તેના જન્મસ્થળ આખરે એક જ જગ્યાએથી હોવાની બાબત આખરે સપાટી ઉપર આવે છે. દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું એક જ કેન્દ્ર છે. અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સ સાથેની વાતચીત દરમિયાન મોદીએ સીધીરીતે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ પેન્સને કહ્યું હતું કે, દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાના પુરાવા અને લીડ્સ એક જ સોર્સ અને સ્થળ ઉપર જઇને ખતમ થાય છે. મોદીએ આ પહેલા પણ જુદા જુદા મંચથી પાકિસ્તાનને આતંકવાદીઓના ગઢ તરીકે ગણાવીને તેની ઝાટકણી કાઢી છે. પૂર્વીય એશિયા સંમેલનના ભાગરુપે મોદી પેન્સ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. પારસ્પરિક વાતચીત દરમિયાન જુદા જુદા વિષયો ઉપર વાતચીત થઇ હતી. દ્વિપક્ષીય અને વૈશ્વિક મામલાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ દ્વારા ચૂંટણીમાં ભાગ લેવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, ત્રાસવાદના મુદ્દા ઉપર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ હતી.  પેન્સે આગામી ૨૬ નવેમ્બરના દિવસે મુંબઈ હુમલાની ૧૦મી વરસીનો ઉલ્લેખ કર્યો હતો અને આતંકવાદની સામે બંને પક્ષોના સહયોગની પ્રશંસા કરી હતી. લશ્કરે તોઇબાના ૧૦ ત્રાસવાદીઓએ મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા. આ હુમલામાં નવ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. એક આતંકવાદી કસાબને પકડી લેવાયો હતો. ત્યારબાદ તેને ફાંસી આપવામાં આવી હતી. મોદીએ કોઇ સંસ્થા અથવા દેશના નામનો ઉલ્લેખ કર્યા વગર પેન્સને યાદ અપાવી હતી કે, વૈશ્વિક આતંકવાદી હુમલામાં આખરે મુખ્ય કેન્દ્ર પાકિસ્તાન જ નિકળીને બહાર આવે છે.

(9:04 pm IST)