મુખ્ય સમાચાર
News of Wednesday, 14th November 2018

રાફેલ ડીલઃ સુનાવણી ફરી શરૃઃ ના SC આદેશ પર વાયુસેનાના ઉપપ્રમુખ સહિત ૪ ઓફિસર્સ કોર્ટમાં

સુપ્રીમ કોર્ટમાં ૩૬ રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી અંગે કોર્ટની નિગરાણીમાં તપાસની માગણી કરનારી અરજીઓ પર હાલ સુનાવણી થઈ રહી છે.

નવીદિલ્હી, તા.૧૪:  સુપ્રીમ કોર્ટમાં ૩૬ રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી અંગે કોર્ટની નિગરાણીમાં તપાસની માગણી કરનારી અરજીઓ પર હાલ સુનાવણી થઈ રહી છે.  આ મામલે બપોરે ૨ વાગે ફરીથી સુનાવણી શરૂ થઈ ગઈ છે. અગાઉ થયેલી સુનાવણીમાં કોર્ટના આદેશ મુજબ વાયુસેનાના ઉપ પ્રમુખ ૪ અધિકારીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા છે. અગાઉ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારે રાફેલ ડીલની કિંમત જણાવવાની જરૂર નથી. કિંમત જાહેર કરવી કે નહીં તે અમે નક્કી કરીશું. આ મામલે સુનાવણી બપોરે બે વાગ્યા સુધી ટાળવામાં આવી હતી.

વાયુસેના સંલગ્ન મુદ્દા પર સુનાવણી દરમયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એટોર્ની જનરલ કે કે વેણુગોપાલને પૂછ્યું કે શું ભારતીય વાયુસેનાના અધિકારી કોર્ટમાં હાજર છે. CJIએ કહ્યું કે તેઓ વાયુસેના અધિકારી સાથે આ મામલે વાતચીત કરવા માંગે છે કારણ કે મામલો વાયુસેના સાથે સંબંધ ધરાવે છે. આ રીતે કોર્ટે વાયુસેનાને નોટિસ પાઠવીને એરફોર્સના અધિકારીને કોર્ટમાં બોલાવ્યા. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કોર્ટને ખાતરી અપાવી કે વાયુસેનાના અધિકારી જલદી કોર્ટમાં હાજર થશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ એ નક્કી કરશે કે રાફેલ ડીલની તપાસ થશે કે નહીં. આ અગાઉ ચીફ ન્યાયાધીશે વકીલ ભૂષણને કહ્યું કે અમે તમને સુનાવણીની તક આપી રહ્યાં છીએ. તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. ફકત જરૂરી ચીજો જ કહેજો.

(4:13 pm IST)