મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

ખાનગીકરણ પછી પણ રાંધણ ગેસની સબસિડી મળતી રહેશે

સરકાર પ્રત્યેક ગ્રાહકને સબસિડીના દરે એક વર્ષમાં ૧૪.૨ કિલોવાળા કુલ ૧૨ રાંધણ ગેસના સિલિન્ડર આપે છે

નવી દિલ્હી,તા. ૨૮: બળતણના રિટેલરોમાં દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની તરીકે જાણીતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નું ખાનગીકરણ થયા પછી પણ એલપીજી (લિકિવફાઇડ પેટ્રોલિયમ ગેસ)ના ગ્રાહકોને રાંધણ ગેસની સબસિડી મળતી રહેશે, એવું તેલ વિભાગના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે જણાવ્યું હતું.

તેમણે પીટીઆઈને કહ્યું હતું કે 'એલપીજી પરની સબસિડી કોઈ કંપનીને નહીં, પણ ગ્રાહકોને સીધી ચૂકવવામાં આવે છે એટલે એલપીજી વેચતી કંપનીની માલિકીનો મુદ્દો સબસિડી સંબંધમાં વચ્ચે આવતો જ નથી. બીજી રીતે કહું તો એલપીજી આપતી કંપની જાહેર ક્ષેત્રની છે કે ખાનગી ક્ષેત્રની એ મુદ્દો જ નથી.'

સરકાર પ્રત્યેક ગ્રાહકને સબસિડીના દરે એક વર્ષમાં ૧૪.૨ કિલોવાળા કુલ ૧૨ રાંધણ ગેસના સિલિન્ડર આપે છે. આ સબસીડી સીધા જ ગ્રાહકોના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. સબસિડી એડ્વાન્સમાં ચૂકવાય છે અને ગ્રાહકો એનો ઉપયોગ એલપીજી રિફીલ (સિલિન્ડર) ખરીદવા માટે ઉપયોગમાં લે છે. આ રિફીલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બીપીસીએલ તેમ જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિતની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે બજાર ભાવે ઉપલબ્ધ હોય છે.

સરકાર બીપીસીએલમાંનો સંચાલન સહિત પોતાનો સંપૂર્ણ ૫૩ ટકા ઇકિવટી હિસ્સો વેચી રહી છે. પ્રાઇવેટ ક્ષેત્રના નવા માલિકને ભારતીય ઓઇલ રિફાઇનિંગની ક્ષમતાનો ૧૫.૩૩ ટકા હિસ્સો તેમ જ ફ્યુઅલ માર્કેટિંગનો બાવીસ ટકા હિસ્સો મળશે. બીપીસીએલ પાસે ૧૭,૩૫૫ પેટ્રોલ પમ્પ પણ છે તેમ જ ૬,૧૫૯ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર એજન્સીઓ પણ છે. આ કંપની પાસે દેશમાંના ૨૫૬ એવિએશન ફ્યુઅલ સ્ટેશનોમાંથી ૬૧ સ્ટેશનો પણ છે. દેશમાં કુલ ૨૮.૫ કરોડ એલપીજી વપરાશકારો છે જેમાંથી ૭.૩ ટકા ગ્રાહકો બીપીસીએલ પાસે છે.

(9:40 am IST)