મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ઓનલાઈન અભ્યાસની જગ્યાએ દીકરો મોબાઈલમાં ગેમ રમ્યા કરતોઃ પોલીસ સ્ટેશન પહોંચ્યા પિતા

લખનૌ, તા.૨૮: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ઘ નગર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જિલ્લાના દનકૌર વિસ્તારમાં રામપુર ગામ નિવાસી એક વ્યકિત ૧૩ વર્ષના દીકરાને લઈને મંગળવારે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો ઓનલાઈન અભ્યાસ કરવાની જગ્યાએ મોબાઈલ ગેમ રમ્યા કરે છે. ના પાડવા છતાં તે સાંભળતો નથી. પિતાએ પોલીસને વિનંતી કરી તે તેઓ તેમના દીકરાને ડરાવે. જેથી તે ગેમ રમવાનું બંધ કરી દે. આ બાદ પોલીસે છોકરા તથા તેના પિતાને સમજાવીને ઘરે મોકલી દીધા.

જાણકારી મુજબ, મંગળવારે સાંજે રામપુર ગામની એક વ્યકિત પોતાના છોકરા સાથે પોલીસ સ્ટેશન પહોંચી. વ્યકિતએ તેને પોતાનો દીકરો બતાવતા પોલીસકર્મીઓને કહ્યું કે, સાહેબ મારો દીકરો મારી વાત સાંભળતો નથી. ના પાડવા છતાં તે મોબાઈલમાં પડોસીના દ્યરે જઈને ચોરી છુપી ગેમ રમે છે. દ્યરેથી ચોરી કરીને સામાન પણ દુકાનોમાં વેચી દે છે. પિતાએ પોલીસને જણાવ્યું કે તેના દીકરાને ઉંમર ૧૩ વર્ષ છે, તે ચોથા ધોરણમાં ભણે છે.

તેમનું કહેવું છે કે મોબાઈલ તેને ઓનલાઈન અભ્યાસ માટે ભારે મુશ્કેલીથી ખરીદીને અપાવ્યો હતો. પિતાએ પોલીસને કહ્યું કે, તે દીકરાને પકડીને સજા આપે. પરંતુ પોલીસકર્મીઓએ પિતાને સમજાવ્યા કે તેમનો છોકરો સગીર છે. આ કારણ તેઓ તેને લઈને ઘરે જતા રહે અને પોતે જ છોકરાને સમજાવે. આ વિશે પોલીસે જણાવ્યું કે, છોકરો સગીર હતો. સમજાવીને બંનેને દ્યરે મોકલી દીધા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં કેટલાક મહિનાઓથી સ્કૂલો બંધ છે, વિદ્યાર્થીઓને હાલમાં ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જોકે કેન્દ્ર સરકારે અનલોક-૫માં રાજયોને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે કેટલીક શરતો સાથે સ્કૂલો ખોલવાની અનુમતિ આપી હતી.

(3:57 pm IST)