મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

બિહારમાં બપોર સુધીમાં ૪૦ ટકા મતદાનઃ બમ્પર વોટીંગ થવાના એંધાણ

પ્રથમ તબકકામાં ૧૬ જિલ્લાની ૭૧ બેઠકો માટે મતદાનઃ બે અલગ અલગ બનાવમાં બે ના મોત : અનેક સ્થળે EVMના ખરાબ થવાની ફરિયાદોઃ ઠેકઠેકાણે : મતદાન માટે લાઇનોઃ કોરોનાની ગાઇડલાઇન્સનો ચુસ્ત અમલ

નવી દિલ્હી, તા.૨૮: બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ ૭૧ વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે. બપોર સુધીમાં અંદાજે ૪૦ મતદાન થયું છે.

પ્રથમ ચરણ માટે બપોરે ૧ વાગ્યા સુધીમાં ભાગલપુરમાં ૩૪.૩૪ ટા, બાંકામાં ૩૩.૧૫ ટકા, શેખપુરામાં ૨૯.૪૯ ટકા, ભોજપુરમાં ૩૨.૧૫ ટકા, રોહતાસમાં ૩૦.૨૬ ટકા, ઔરંગાબાદમાં ૩૩.૩૨ ટકા, જમુઇમાં ૩૧.૩૭ ટકા મતદાન થયો છે.

કોરોના સંકટકાળમાં મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી, તેજસ્વી યાદવ, નીતીશકુમારે લોકો સાથે સાવધાની વર્તીને મતદાન કરવાની અપીલ કરી છે. પ્રથમ ચરણ માટે કુલ ૧૦૬૬ ઉમેદવાર મેદાનમાં છે. ૨.૧૪ કરોડથી વધુ મતદાતાઓ મત આપી રહ્યા છે.

બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૨૦ના પ્રથમ ચરણમાં ૧૬ જીલ્લાની ૭૧ સીટો પર સખ્ત સુરક્ષામાં ચાલુ રહેલા મતદાન વચ્ચેથી અલગ-અલગ સ્થળો પર બે ના મોત થયા છે. તેમજ અનેક સ્થળો પર મોટી સંખ્યામાં ઇવીએમ ખરાબ થયા છે. બીજી બાજુ કડક સુરક્ષા વચ્ચે થઇ રહેલા મતદાન વચ્ચે ઔરંગાબાદ જીલ્લાના ઢીબરા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આઇઇડી જપ્ત કર્યા.

(2:57 pm IST)