મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ખર્ચ વધ્યો : આવક ઘટી : તિજોરી ખાલી

કોરોનાએ રાજયોને જોરદાર આર્થિક ફટકો માર્યો : બહાર નીકળતા ઘણો સમય લાગશે

મુંબઇ, તા. ર૮ : રાજયોની નાણાંકીય સ્થિતિ અને તેમના ખજાના પર કોરોના મહામારીની ઉંડી અસર જોવા મળી રહી છે અને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓને જોતા આગામી કેટલાક વર્ષો રાજયો માટે પડકાર રૂપ સાબિત થઇ શકે છે. રિઝર્વ બેન્કે રાજયોની નાણાંકીય સ્થિતિ પર બહાર પાડેલ રિપોર્ટમાં આમ કહીને સાવચેત કર્યા છે કે માંગ ઘટવાના કારણે રાજસ્વમાં ઘટાડો થયો છે અને મહામારીના કારણે વિભિન્ન સ્તરો પર સરકારી ખર્ચાઓ વધ્યા છે, તેના કારણે રાજયો મોટા સંકટમાં ફસાઇ શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે કરની આવકમાં થયેલ ઘટાડો અને ખર્ચમાં અચાનક થયેલ મોટા વધારાથી રાજયોની નાણાંકીય સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, હવે મહત્વની વાત એ બની ગઇ છે કે ખર્ચ કઇ રીતે કરવામાં આવી રહ્યો છે અને રાજયોના બજેટ કેટલા વિશ્વસનીય છે.

રિઝર્વ બેંકના રિપોર્ટમાં રાજયોના બજેટનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મોટાભાગના રાજયોએ મહામારી ફેલાયા પહેલા જ બજેટ રજૂ કર્યું હતું. રિઝર્વ બેંકે પોતાના વિશ્લેષણમાં એ દર્શાવવાની કોશિષ કરી છે કે મહામારી સામે લડયા પછી રાજયો માટે કેવી પરિસ્થિતિ રહેશે. દાખલા તરીકે જે રાજયોએ મહામારી પહેલા પોતાના બજેટ રજૂ કર્યા હતાં તેમાં સફળ રાજકોષિય ખાદ્ય જીએસડીપીના ર.૪ ટકા હતી, પણ રિપોર્ટ અનુસાર, જે રાજયોએ મહામારી પછી બજેટ રજુ કર્યું હતું તેની સરેરાશ રાજકોષિય ખાદ્ય ૪.૬ ટકા થઇ છે.

(11:23 am IST)