મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

સેનિટાઈઝર ઈન્ડસ્ટ્રીઝમાં તેજીઃ શરૂ થયા ૩૧૯ નવા પ્લાન્ટ્સ

નવા બનેલા નવા પ્લાન્ટસમાંથી કોસ્મેટિક સેગમેન્ટના ૨૨૬ યુનિટ્સ છે. જયારે આર્યુર્વેદિકના ૮૬ અને એલોપેથિકના ૭ યુનિટ્સ છે

અમદાવાદ,તા. ૨૮: કોરોના કાળમાં હેન્ડ સેનિટાઈઝરની ભારે માંગ ઊભી થઈ છે. જેના કારણે ઘણી બધી કંપનીઓએ હવે પર્સનલ હાઈજિન પ્રોડકટના ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે. જાણીને આશ્યર્ય થશે કે, આ વર્ષે ગત એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં હેન્ડ સેનિટાઈઝર્સનું ઉત્પાદન કરતા ૩૧૯ નવા પ્લાન્ટ્સ શરૂ થયા છે. તેમાંથી મોટાભાગના યુનિટ્સ કોસ્મેટિક હેન્ડ સેનિટાઝર્સના છે.

રાજયના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર ડો. એચજી કોશિયાએ જણાવ્યું કે, 'ગુજરાત FDCAએ એપ્રિલથી અત્યાર સુધીમાં ફ્રાર્માસ્યૂટિકલ જગ્યામાં કુલ ૩૫૦ પ્લાન્ટ્સના કન્સ્ટ્રકશન પ્લાન્સને મંજૂરી આપી છે. તેમાંથી મોટાભાગના હેન્ડ સેનિટાઈઝર્સના ઉત્પાદન માટે છે.'

હેન્ડ સેનિટાઈઝર્સ માટે નવા બનેલા નવા પ્લાન્સમાંથી કોસ્મેટિક સેગમેન્ટના ૨૨૬ યુનિટ્સ છે. જયારે આર્યુર્વેદિકના ૮૬ અને એલોપેથિકના ૭ યુનિટ્સ છે. નિયમ મુજબ, નવા ફ્રામા પ્લાન્ટના કન્ટ્રકશન પ્લાન માટે રાજયના ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી જરૂરી છે.

કોશિયાએ જણાવ્યું કે, 'તેમાંથી ૨૩ નવા પ્લાન્ટ્સને મેડિકલ ગ્રેડ ઓકિસજનના ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે. જયારે બલ્ક ડ્રગ્સ, ફોર્મ્યુલેશન્સ અને અન્ય ડ્રગ્સ માટેના માત્ર ૮ પ્લાન્ટ્સને એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી છે.'

ડ્રગ કમિશનરના કહેવા મુજબ, હેન્ડ સેનિટાઈઝર્સના ઉત્પાદન માટે નવો પ્લાન્ટ્સ બનાવનારી કંપનીઓમાં મેરિકો, એશિયન પેઈન્ટ્સ, રેકિવના ફાર્માસ્યૂટિકલ્સ, ફ્રેસિઓ હર્બલ્સ, ગુજરાત લાઈફસાયન્સ પ્રાઈવેટ લિમિટેડ અને આરિવા ફાર્મા પ્રોડકટ્સનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, 'શરૂઆતમાં સેનિટાઈઝર્સનો પૂરતા પ્રમાણમાં સપ્લાય કરવો એ એક પડકાર હતો. જોકે, ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ પોલિસીને લગતા નિર્ણયોના મામલે રાજય સરકારના સક્રિય સહયોગથી મુશ્કેલીને તકમાં ફેરવી નાખી.'

રાજયમાં હવે હેન્ડ સેનિટાઈઝરના અછતના દિવસો ભૂતકાળ બની ગયા છે. રાજયમાં હાલમાં દરરોજ ૨ કરોડ લિટર (LPD) હેન્ડ સેનિટાઈઝર ઉત્પાદન કરવાની ક્ષમતા છે. માંગ સતત વધી રહી છે ત્યારે ઝાયડસ વેલનેસ, અદાણી વિલમર, ઈરિસ લાઈફસાયન્સિસ, કેડિલા ફાર્મા અને નિવીયા ઈન્ડિયા જેવી મોટી કંપનીઓએ પણ હેન્ડ સેનિટાઈઝરના ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે. કેટલીક ફાર્મા કંપનીઓએ તેમના હાલના પ્લાન્ટ્સમાં પણ હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું શરૂ કર્યું છે.

ગુજરાત FDCAના ડેટા મુજબ, ગુજરાતમાં હાલમાં હેન્ડ સેનિટાઈઝર્સ બનાવતા ૬૧૩ યુનિટ્સ છે. કોરોના મહામારી પહેલા આ આંકડો ૨૨૮નો હતો. આ મેન્યુફેકચરર્સને કુલ ૪,૭૭૫ પ્રોડકટ લાઈસન્સ આપવામાં આવ્યા છે.

(10:52 am IST)