મુખ્ય સમાચાર
News of Monday, 28th October 2019

ઍર ઇન્ડિયાનો ગુજરાતી કર્મચારી મહિનાથી ગુમ કોઇ પતો નથીઃ પરિવારજનો દ્વારા અપહરણ હોવાની શંકા પોલીસે તપાસ હાથ ધરી

અંધેરીમાં રહેતા ઍર ઇન્ડિયાના ૫૮ વર્ષના ગુજરાતી કર્મચારી એક મહિનાથી મિસિંગ હોવા છતાં તેમનો પત્તો ન લાગતો હોવાથી તેમના પરિવારજનોએ તેમનું અપહરણ થવાની શક્યતા વ્યક્ત કરતાં અંધેરી પોલીસે ગઈ કાલે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ અંધેરીમાં રહેતા દીપક પંચાલ ૨૯ સપ્ટેમ્બરે તેમના ભાઈના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ગાયબ થઈ ગયા હતા. તેમના ભત્રીજા વિશાલે પોલીસને કહ્યું હતું કે તેના પિતા પાસેથી ૧૦૦ રૂપિયા લઈને તેઓ બે દિવસ ઘરે નહીં આવું એમ કહીને નીકળ્યા હતા.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અપરિણીત દીપક પંચાલ ઍર ઇન્ડિયામાંથી નિવૃત્ત થયા બાદ ઍર ઇન્ડિયામાં કૉન્ટ્રૅક્ટ ધોરણે કામ કરીને ત્રણ વર્ષથી ભાઈના ઘરે રહે છે. પોલીસના કહેવા પ્રમાણે મીસિંગની ફરિયાદ મળ્યા બાદ દીપક પંચાલનો મોબાઈલ નંબર ટ્રેક કરતાં પહેલાં તેઓ સુરતમાં હોવાનું અને બાદમાં અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં હોવાનું જણાયું હતું. બાદમાં તેમના મોબાઈલનો સિગ્નલ મળતો બંધ થઈ ગયો છે.

ઝોન-૧૦ના ડીસીપી અંકિત ગોયલે કહ્યું હતું કે મિસિંગ દીપક પંચાલ અપરિણીત છે અને તેણે સટ્ટામાં રૂપિયા ગુમાવ્યા બાદ તેઓ મિસિંગ થયા હોવાનો ખયાલ આવતાં તેમનાં વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે કરેલા ટ્વીટને એફઆઇઆરમાં ફેરવી નખાઈ છે. અંધેરી પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

(2:29 pm IST)