મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

ICMRના વૈજ્ઞાનિકોએ કરી ભલામણ

દેશમાં તબક્કાવાર શાળાઓ ખોલી શકાય

પ્રાથમિક શાળાના બાળકોમાં કોરોનાનો ખતરો ઓછો છે

 

નવી દિલ્‍હી તા. ૨૮ : આઈસીએમઆર ના વૈજ્ઞાનિકોએ દેશભરમાં સ્‍કૂલો ખોલવાને લઈને એક તારણ આપ્‍યું છે. જેમાં શાળાઓ ખોળવાથી લઈ બાળકોમાં સંક્રમણને લઈને ખુલાસા કરવામાં આવ્‍યા છે.

આઈસીએમઆરના વૈજ્ઞાનિક મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવના નેતૃત્‍વ હેઠળ કરવામાં આવેલ એક સ્‍ટડીમાં જણાવવામાં આવ્‍યું હતું કે પ્રથમિક સ્‍કૂલોના બાળકોમાં કોરોનાનો ખતરો ઓછો છે. માટે સૌથી પહેલા પ્રાથમિક શાળાઓ શરૂ કરવી જોઈએ. ત્‍યાર બાદ માધ્‍યમિક શાળાઓ શરૂ કરવી જોઈએ.

મોટાભાગના રાજયોમાં અલગ અલગ દિશાનિર્દેશ મુજબ સ્‍કૂલો ખોલવામાં આવી રહી છે. દિલ્‍હીમા સૌથી પહેલા માધ્‍યમિક સ્‍કૂલો ખોલવામાં આવી હતી અને ત્‍યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી હતી અને સ્‍ટડીમાં કહેવામાં આવ્‍યું હતું કે ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોવાથી ઉપરાંત આ ઉંમર વર્ગના બાળકો માટે હાલ પૂરતી વેક્‍સિન પણ આવેલેબલ નથી. પરંતુ હવે આટલા લાંબા સમય બાદ હવે સ્‍કૂલો ખોલવી અને નોર્મલ શૈક્ષણિક કરી ચાલુ રાખવું જરૂરી છે.  

એવામાં કોવિડ સામે સાવચેતી રૂપ પગલાંઓ અને નિયમોનું પાલન પણ જરૂરી છે. પ્રાથમિક શાળાઓ સૌથી પહેલા ખોલવી જોઈએ એવું આ સ્‍ટડીમાં જણાવાયું છે. થોડા સમય બાદ માધ્‍યમિક શાળાઓ પણ શરૂ કરવી જોઈએ. ICMR ના મુખ્‍ય સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. સમીરન પાંડા અને ડો. તનુ આનંદ પણ આ સ્‍ટડીમાં સામેલ હતા

આ નિષ્‍ણાંતોએ મળીને જણાવ્‍યું હતું કે કોવિડ બાદ લાંબા સમય સુધી સ્‍કૂલો બંધ રહી હતી અને તેના કારણે બાળકોના સર્વાંગીક વિકાસ પર અસર પડી છે. માટે હવે સ્‍કૂલ્‍સ ખોલવી તો જરૂરી છે જ પરંતુ તેની શરૂઆત પદ્ધતિસર કરવી જોઈએ.

વૈજ્ઞાનિકોએ જણાવ્‍યું હતું કે, ઓગસ્‍ટ મહિનામાં જાણવા મળ્‍યું છે કે શહેરી વિસ્‍તારોમાં માત્ર ૨૪ ટકા બાળકોએ નિયમિત વર્ગો લીધા છે. શાળાઓ બંધ થવાને કારણે બાળકોએ ઓનલાઇન શિક્ષણ લીધું છે. જયારે ઝૂંપડપટ્ટીઓ અને ગ્રામીણ વિસ્‍તારોમાં દરરોજ માત્ર આઠ ટકા બાળકો જ વર્ગો લેતા રહ્યા. આ સર્વે ૧૫ રાજયોમાં કરવામાં આવ્‍યો હતો જેમાં ૧૩૬૨ બાળકોનો ઇન્‍ટરવ્‍યૂ લેવામાં આવ્‍યો હતો. વૈજ્ઞાનિકોએ આર્ય વ્‍યક્‍ત કર્યું કે આ સર્વેમાં સામેલ ૫૦ ટકાથી વધુ બાળકો ફોર્મમાં આપેલા થોડા શબ્‍દો જ વાંચી શકે છે.

બ્રિટનનું ઉદાહરણ આપતા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, માધ્‍યમિક શાળાઓ પહેલા ત્‍યાં ખોલવામાં આવી હતી, ત્‍યારબાદ ચેપના કેસોમાં વધારો થયો હતો. શાળાઓમાંથી ચેપગ્રસ્‍ત, બાળકો તેમના પરિવારો સુધી પહોંચ્‍યા અને ત્‍યાં અન્‍ય લોકોને પણ ચેપ લાગ્‍યો, પરંતુ આયર્લેન્‍ડમાં આવું કંઈ જોવા મળ્‍યું ન હતું. આ વર્ષે જૂનમાં બહાર પાડવામાં આવેલા ચોથા રાષ્ટ્રીય સેરો સર્વે અનુસાર, ૬ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં ચેપનું જોખમ પુખ્‍ત વયના લોકો જેટલું જ છે, પરંતુ તેમના કરતા નાના બાળકોમાં  જોખમ ઓછું છે.

(11:29 am IST)