મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

જેના ઇશારે મોટા ટીવી કલાકારો નાચતા હતા તે બાલિકા વધુ-સુજાતા જેવી સિરીયલોના ડિરેક્‍ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું ગુજરાન ચલાવવા વેચી રહ્યા છે શાકભાજી

નવી દિલ્હી: તકદીર બદલાતા જરાય વાર લાગતી નથી. 'બાલિકા વધુ' 'સુજાતા' જેવી અનેક ટીવી સિરિયલો ડિરેક્ટ કરી ચૂકેલા રામવૃક્ષ ગૌડની હાલત અત્યારે એકદમ કફોડી થઈ ગઈ છે. હંમેશા ફિલ્મી સિતારાઓ અને કલાકારોની વચ્ચે રહેતા રામવૃક્ષ આજકાલ પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે આઝમગઢમાં શાકભાજી વેચી રહ્યા છે. સામાન્ય દેખાવવાળા રામવૃક્ષને જોઈને કોઈ એમ ન કહે કે આ એ જ વ્યક્તિ હતી જેના ઈશારે મોટા મોટા ટીવી કલાકારો નાચતા હતા.

લોકડાઉનના કારણે ફસાયા ગામમાં

રામવૃક્ષ આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ અહીં આઝમગઢમાં તેમનું પૈતૃક મકાન આજે પણ છે. તેઓ પોતાના બાળકો સાથે હોળીમાં ગામડે આવ્યા હતાં. રામવૃક્ષ પાછા જાય તે પહેલા જ લોકડાઉન લાગી ગયું. એક બે મહિના રાહ જોયા બાદ પણ સ્થિતિ સામાન્ય ન થઈ અને મજબૂરીમાં આખરે અગિયારમાં ધોરણમાં ભણતા પુત્ર સાથે શાકભાજીની લારી લગાવીને પરિવારનું ભરણપોષણ કરવા લાગ્યા.

મુંબઈમાં રહે છે કેટલાક વર્ષોથી

મૂળ નિઝામાબાદના ફરહાબાદના રહીશ ચાલીસ વર્ષના રામવૃક્ષના પિતા શાકભાજીનો જ વ્યવસાય કરે છે. 2002માં મિત્ર અને સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદ અને પ્રેરણાથી રામવૃક્ષ મુંબઈ આવ્યા હતાં. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું અને ત્યારબાદ ટીવી પ્રોડક્શનમાં અનેક વિભાગોમાં ભાગ્ય અજમાવ્યું. ધીરે ધીરે અનુભવ વધવા લાગ્યો. અને ડિરેક્શનના ક્ષેત્રે તક મળી. પછી તો તેમને તે કામ ગમી ગયું. ત્યારબાદ પાછું વળીને ન જોયું. અનેક સિરિયલના પ્રોડક્શનમાં સહાયક ડિરેક્ટર તરીકે કામ કરતા નવી ઊંચાઈઓ સ્પર્શવા લાગ્યા. આ બધા વચ્ચે એક રૂમનો ફ્લેટ પણ ખરીદી લીધો. જીવનની ગાડી પાટા પર જ હતી અને લોકડાઉનમાં બધુ અટકી ગયું.

બાલિકાવધુ સિવાય આ સિરિયલો કરી

બાલિકા વધુના 50થી વધુ એપિસોડમાં યુનિટ ડિરેક્ટર તરીકે કામ કરનારા રામવૃક્ષ આ ઉપરાંત ઈસ પ્યાર કો ક્યા નામ દુ, કૂછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સિરિયલો ઉપરાંત યશપાલ શર્મા, મિલિન્દ ગુણાજી, રાજપાલ યાદવ, રણદીપ હૂંડા, સુનિલ શેટ્ટીની ફિલ્મોના ડિરેક્ટર સાથે સહાયક ડિરેક્ટરની ભૂમિકા પણ ભજવી. આવનારા દિવસો માટે એક ભોજપુરી અને એક હિન્દી ફિલ્મનું કામ પણ રામવૃક્ષ પાસ છે.

દોઢ લાખ રૂપિયા થઈ જતી હતી ઈન્કમ

રામવૃક્ષ ગૌડ ટીવી સિરિયલ ડિરેક્ટર કહે છે કે ટીવી ઉદ્યોગમાં ખુબ અનિશ્ચિતતા રહે છે. જો કે મારું કામ સારૂ ચાલતું હતું. ખુબ કામ હતું. કામ આવતું હતું તો પ્રોડક્શન હાઉસના હિસાબે સાઈઠ હજારથી લઈને દોઢ લાખ પ્રતિ મહિને કમાઈ લેતો હતો. હવે તો શાકભાજી વેચીને મહિને માંડ 20 હજાર કમાણી થાય છે. આ કામ મારા માટે કઈ નવું નથી. મારા પરિવારમાં આ જ કામ હતું. મુંબઈ આવતા પહેલા હું આ કામ કરતો હતો. કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. હું ખુશ છું. મુંબઈમાં હાલાત સુધરશે તો પાછો ફિલ્મ દુનિયામાં પરત ફરીશ.

(4:27 pm IST)