મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

પીઢ ગીતકાર અભિલાષનું નિધન : 'ઇતની શક્તિ હમેં દેના દાતા' થી મળી'તી ઓળખ

કેન્સરથી પીડિત અભિલાષે અદાલત, ચિત્રહાર, રંગોલી, ધૂપ છાવ, દુનિયા રંગ રંગીલી સહીત અનેક ટીવી શોમાં પોતાની કલમની છાપ છોડી હતી : અનેક એવોર્ડ મળ્યા હતા

મુંબઈ :પ્રસિદ્ધ ગીતકાર અભિલાષ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. અભિલાષને પ્રખ્યાત પ્રાર્થના ગીત "ઇતની શક્તિ હમે દેના દાતા" માટે ઓળખવામાં આવતા હતા

 મળતી જાણકારી પ્રમાણે અભિલાષ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ પીડાથી ગીતકાર હારી ગયા અને તેમનું નિધન થયું હતું. આ વર્ષે જ ઋષિ કપૂર, ઈરફાન ખાન સમેત ઘણા સેલેબ્રિટીઓનું કેન્સરના કારણે નિધન થયું છે.

   એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે અભિલાષે માર્ચમાં પેટની અંદરની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી જ તેમની તબિયત સારી નહોતી ચાલી રહી. કાલે ગોરેગાંવ સ્થિત શિવ ધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દીકરી અને જમાઈ બેંગ્લોરમાં રહે છે.

અભિલાષે અદાલત, ચિત્રહાર, રંગોલી, ધૂપ છાવ, દુનિયા રંગ રંગીલી, અનુભવ, સંસાર અને ૐ નમઃ શિવાય જેવા ઘણા પ્રખ્યાત ટીવી શોની અંદર પોતાની કલમની છાપ છોડી છે.

ડાયલોગ અને ગીત લેખન માટે અભિલાષને અત્યાર સુધી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તેમને સીને એવોર્ડ, ફિલ્મ ગોવર્સ એવોર્ડ, સુર આરાધના એવોર્ડ, માતોશ્રી એવોર્ડ, વિક્રમ ઉત્સવ સન્માન, હિન્દી સેવા સન્માન, અભિનવ શબ્દ શિલ્પી એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

અભિલાષ છેલ્લા 40 વર્ષોથી ફિલ્મમાં સક્રિય હતા. તેઓ ગીત લેખક ઉપરાંત પટકથા, સંવાદ લેખક પણ હતા. ઘણી હિન્દી ધારાવાહિકની સ્ક્રીપટ પણ તેમને લખી છે. તેમને "ઇતની શક્તિ હમે દેના દાતા" ગીત દ્વારા વધુ ઓળખ મળી હતી.

(2:00 pm IST)