મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

આજે Unlock 5.0ની વિગતો જાહેર થાય તેવી શકયતા

હવે ઉદ્યોગ અને તહેવારોની વાત છે તો ગ્રાહકોની માગમાં વધારાની આશા હોવાની સાથે અન્ય કેટલીક છૂટ આપવામાં આવે તેવી શકયતાઓ છે

નવી દિલ્હી,તા. ૨૮: કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક ૪ સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં ૩૧ ઓકટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.

ગયા મહિને ગૃહમંત્રાલયે કેટલીક છૂટ આપવાની વાત કરી હતી. સાથે જ ધીરે ધીરે કન્ટેનમેન્ટ ઝોનની બહાર અને ગતિવિધિઓ માટેની પણ છૂટ આપી. હવે ઉદ્યોગ અને તહેવારોની વાત છે તો ગ્રાહકોની માગમાં વધારાની આશા હોવાની સાથે અન્ય કેટલીક છૂટ આપવામાં આવે તેવી શકયતાઓ છે.

સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓકટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં. મલ્ટીપ્લેકસ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને ૨૧ સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્યિમ બંગાળમાં તેને પહેલાં ૧ ઓકટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો ૧ ઓકટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.

ગયા મહિને સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને લોકોને થિયેટરમાં બેસવાનું એક સૂચન કર્યું હતું. તેના આધારે પહેલી લાઈન છોડીને એક લાઈનમાં લોકોને બેસાડવામાં આવે. પછી એક લાઈન ફરી ખાલી છોડવામાં આવે અને ફરી લોકોને બેસવા દેવામાં આવે.  ગયા અઠવાડિયે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કડક નિયમો સાથે ૧ ઓકટોબરથી થિયેટરોને ખોલવાની પરમિશન અપાશે. પીઆઈબીએ ફેકટ ચેકમાં તેને ખોટો ઠેરવ્યો છે.

મહામારી અને તેના બાદ લોકડાઉનના સમયે પર્યટન ક્ષેત્ર પર માઠી અસર પડી છે. એવામાં Unlock 5.0ની પ્રક્રિયા સમયે પર્યટન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટર્સને પર્યટકો માટે ખોલી શકાય છે. આવા એક પ્રયાસમાં સિક્કિમ સરકારે ૧૦ ઓકટોબરથી હોટલ, હોમ સ્ટે અને અન્ય ટૂરિઝમ સાથે જોડાયેલી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

 

(11:30 am IST)