મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

પાકિસ્તાનની કાળમુખી નજર હવે સરક્રીક ઉપર

કાશ્મીરમાં ઘુસણખોરીના માર્ગો બંધ થઈ જતા : સરકાર ગંભીર-એલર્ટઃ સુરક્ષા માત્ર બીએસએફના હવાલે નહિ રાખેઃ નેવી-કોસ્ટગાર્ડ તૈનાત કરવા વિચાર

નવી દિલ્હી, તા. ૨૮ :. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ઘુસાડવાની સતત થઈ રહેલી કોશિષોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સરક્રીક સરહદની સુરક્ષા અત્યારે સરકારની ટોપ પ્રાયોરીટીમાં આવી ગઈ છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાયા પછી અહીં બીએસએફને નેવી અને કોસ્ટગાર્ડના પ્રશિક્ષીત જવાનોની મદદ પણ મળી શકે છે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે કે સરક્રીક સરહદને ફકત બીએસએફ પર ન છોડવામાં આવે.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે કાશ્મીરમાં સુરક્ષા દળોની ભારે તહેનાતીના કારણે પાકિસ્તાનની નજર હવે સરક્રીક સરહદ પર છે. અહીંથી આતંકવાદીઓને મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી ગુપ્ત માહિતી સુરક્ષા એજન્સીઓને મળી છે. સુત્રોએ કહ્યુ કે સરક્રીક વિસ્તારમાં થોડા દિવસ પહેલા પાકિસ્તાનની ખાલી બોટો પકડાઈ હતી જેના લીધે એવી શંકા ઉભી થઈ છે કે પાકિસ્તાન આ વિસ્તારમાંથી આતંકવાદીઓને ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ કે સરક્રીક સરહદે પાકિસ્તાન તરફથી સુરક્ષાની જવાબદારી પાક નેવી અને પાકિસ્તાની કોસ્ટલ ગાર્ડ પાસે છે પણ આપણે ત્યાં આ જવાબદારી બીએસએફ સંભાળે છે. એક અધિકારીએ કહ્યું કે સરકારને આ અંગે પહેલા પણ સૂચનો કરાયા છે કે બીએસએફ એક પ્રકારે જમીની દળ છે અને સરક્રીકનો વિસ્તાર એક પ્રકારે દરીયાઈ ઈલાકા જેવો છે. અહીં હરામી નાળાનું સ્વરૂપ મોસમ અનુસાર બદલાતુ રહે છે. આ સ્થિતિમાં બીએસએફની ક્ષમતા ઘણીવાર અપર્યાપ્ત બને છે.

ભૂતપૂર્વ એડીજી પી.કે. મિશ્રએ કહ્યું કે સરક્રીક વિસ્તારની જવાબદારી ઈન્ડીયન નેવી અને કોસ્ટલ ગાર્ડસને સોંપવી જોઈએ અને જો બીએસએફને જ આ વિસ્તારમાં રાખવાનું હોય તો તેમને વધુ ક્ષમતાવાળા ઉપકરણો આપવા જોઈએ. ચોમાસામાં અહીં બીએસએફના કોઈ સાધનો કામ નથી આવતા. જેના લીધે આ વિસ્તાર ઘણીવાર અસુરક્ષિત રહી જાય છે. તેમણે કહ્યુ કે, સરકારે અહીં અત્યાધિક સતર્કતા રાખવાની જરૂર છે કેમ કે પાકિસ્તાન અહીંથી પગપેસારો કરવાની ગંભીર સાજીસ કરી રહ્યુ છે.

(11:13 am IST)