મુખ્ય સમાચાર
News of Friday, 28th September 2018

અનેક દેશોમાં લગ્નેતર સંબંધ અપરાધ નથી

૫૫૦૦ એશિયાઈ દેશોમાં ૨૦૦૮થી ૨૦૧૫ સુધીમાં લગભગ આટલા લોકોને વ્યાભિચારના ગુનાની સજા મળી છે

નવી દિલ્હી, તા. ૨૮ :. ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં વ્યાભિચાર અપરાધ નથી. યુરોપના તમામ દેશોમાં વ્યાભિચારને અપરાધની શ્રેણીથી બહાર રાખવામાં આવ્યો છે. જો કે આ દેશોમાં વ્યાભિચારને હજી પણ છૂટાછેડાનો આધાર માનવામાં આવે છે. અમેરિકાના અનેક રાજ્યોમાં વ્યાભિચાર ગેરકાયદે ગમાય છે. જો કે અમેરિકાના ઈદાહો, મેસેચુસેટ્સ અને મિશિગન જેવા કેટલાક રાજ્યોમાં વ્યાભિચારને લઈને જલદી સુનાવણી કરવામાં આવતી નથી અને અપરાધીને દંડ કરીને છોડી દેવામાં આવે છે.

સાઉથ કોરિયાના ૧૯૫૩ના કાયદા મુજબ વ્યાભિચાર કરનારા જીવનસાથીને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા સુધીની જોગવાઈ હતી. જો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં સાઉથ કોરિયાની સર્વોચ્ચ અદાલતે વ્યાભિચારને ગુનાની વ્યાખ્યામાંથી દૂર કર્યો છે. આમ કરનારો એ પહેલો એશિયન દેશ છે.

જે દેશોમાં ઈસ્લામિક શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યાં વ્યાભિચારના ગુના માટે સખત સજાની જોગવાઈ ધરાવતા દેશોમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સોમાલિયા મુખ્ય છે. અહીં વ્યાભિચારના દોષીને જેલ, દંડ, હન્ટરથી માર મારવાનો અને કેટલાક કિસ્સાઓમાં પથ્થર મારીને જીવ લેવાની   સજાની  પણ  જોગવાઈ  છે.(૨-૩)

વ્યાભિચાર જ્યાં ગુનો છે એવા દેશો

અફઘાનિસ્તાન, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, ઈરાન, મોલદીવ્ઝ, નેપાલ, પાકિસ્તાન, ફિલિપીન્સ, યુનાઈટેડ આરબ એમિરેટ્સ, અમેરિકાના કેટલાક રાજ્યો, અલ્જીરિયા, ડેમોક્રેટિક, રિપબ્લિક ઓફ કોન્ગો, ઈજિપ્ત, મોરોક્કો, નાઈજીરિયાના કેટલાક ભાગો

વ્યાભિચાર જ્યાં ગુનો નથી એવા દેશો

ભારત, ચીન, જાપાન, બ્રાઝિલ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, નેધરલેન્ડસ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, રિપબ્લિક ઓફ આયરલેન્ડ, બાર્બેડોઝ, બર્મુડા, જમૈકા, ટ્રિનિદાદ અને ટોબેગો, સેશેલ્સ, સાઉથ કોરિયા, ગ્વાટેમાલા.

(10:10 am IST)