મુખ્ય સમાચાર
News of Friday, 28th September 2018

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હવે ટેલીકોમ કંપનીઓ, બેન્‍કો, મ્‍યુચ્‍યુઅલ ફંડસ, ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓમાં રહેલા ડેટા ડિલીટ કરાવી શકાશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ આધારને લઈને અનિશ્ચિતતાઓ દૂર થઈ ગઈ છે. એવામાં હવે તમે ટેલિકોમ કંપનીઓ, બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઈન્સ્યોરન્સ કંપનીઓના રેકોર્ડમાં નોંધાવેલી સૂચનાઓને ડિલિટ કરાવી શકો છો. અગાઉ કાયદાની સ્પષ્ટતાના અભાવે આ સંસ્થાઓએ બાયોમેટ્રિક અને અન્ય ડીટેલ્સ માગી હતી. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રાઈવેટ કંપનીઓ સાથે આધાર લિંકિંગ જરુરી નથી.

એવામાં હવે ગ્રાહકો આ અધિકાર મળી ગયો છે કે તેઓ પોતાની ડિટેલ્સને ડિલિટ કરવાની માંગ કરી શકે છે. જોકે, કોઈ આવી માંગ કરે છે તો તેને ઓળખપત્ર તરીકે પાસપોર્ટ, વોટર આઈડી અને બેંક સ્ટેટમેન્ટ આપવાની જરુર પડી શખે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોઈ પણ પોતાની આધાર ડિટેલ્સને ડિલિટ કરાવી શકે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, આ વાતને સ્પષ્ટ કરવાની જરુરિયાત છે અને તમામ લિંકિંગથી ડીલ કરાવનારા સંબંધિત મંત્રાલયો દ્વારા આ અંગે માહિતી આપવાની પણ જરુર છે. અધિકારીએ જણાવ્યું, “જેમ વોડાફોન-આઈડિયા, એરટેલ અને રિલાયન્સ જિયો જેવી ટેલિકોમ કંપનીઓ સાથે પોતાનો ડેટા સ્ટોર છે, તેને ડિલિટ કરવા માટે ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા નિર્દેશ આપવો જોઈએ. આ રીતે RBI કે નાણાં મંત્રાલયે બેંકો કે નાણાં સંસ્થાઓમાં નોંધાયેલી આધાર ડિટેલ્સ વિશે નિર્દેશ આપશે.”

બીજી તરફ મોબાઈલ ઓપરેટર્સ એસોસિએશન (COAL)ના મહાનિર્દેશક રાજન મૈથ્યુએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓ સરકારના નિર્દેશ મળવા સુધી રાહ જુએ. મૈથ્યુએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાને સંપૂર્ણ રીતે લાગુ કરીશું. હજુ ટેલિકોમ મિનિસ્ટ્રીથી સ્પષ્ટીકરણની રાહ જોવાઈ રહી છે.

જો તમે ડિજિટલ વોલેટ અને બેંકો સાથે આધાર લિંક કરાવ્યું છે તો તમારા ડેટા સિક્યોરિટીને લઈને ગભરાવાની જરુર નથી. તમે સરળ રીતે તેને ડીલિંક કરાવી શકો છો. તમે બેંકના આધારે લિંક કરાવીને રાખી શકો છો, તો તમે બેંક જવું પડશે, કારણ કે તમે તેને ઓનલાઈન ડીલિંક નહીં કરાવી શકો. બેંકમાં જઈને કસ્ટમર કેર પાસે ‘અનલિંક આધાર’નું ફોર્મ લઈને તેને ભરીને જમા કરાવો. 48 કલાકની અંદર તમારા બેંક અકાઉન્ટમાંથી આધાર ડીલિંક થઈ જશે. તમે બેંકને કોલ કરીને પણ આ વિશે પૂછી શકો છો.

જો તમે પેટીએમ સાથે આધાર લિંક કરાવ્યું છે તો કસ્ટમર કેર નંબર 01204456456 પર કૉલ કરો અને તેને કહે છે કે તમને આધાર અનલિંક કરાવવા અંગે ઈમેલ મોકલો. આ પછી તમને પેટીએમ ઈમેલ કરશે, જેમાં તમને આધારની સોફ્ટ કોપી અટેચ કરવાનું કહેવામાં આવશે. આ પછી તમને એક મેલ આવશે, જેમાં કહેવામાં આવશે કે તમારું આધાર 72 કલાકમાં પેટીએમ વોલેટ પરથી ડીલિંક થઈ જશે. એટલે કે આપ ત્રણ દિવસ પછી ચેક કરી શકો છો કે આધાર ડીલિંક થયું કે નહીં.

(12:00 am IST)